ઉત્તર ગુજરાતઃ તારંગા હિલ-અંબાજી- આબુ રોડ નવી રેલ્વે લાઇનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી

આ પ્રોજેક્ટથી અંબાજી રેલવેથી દેશ સાથે જોડાવાની સાથે રેલવેની કનેક્ટિવિટીમાં પણ વધારો થશે, જે અર્થતંત્રને વધુ ગતિશીલ બનાવશે, જેનાથી આ વિસ્તારનો સામાજિક આર્થિક વિકાસ વધશે.

 
રેલ

અટલ સમાચાર, ડેસ્ક

ઉત્તર ગુજરાતની મહત્વાકાંક્ષી તારંગા હિલ-અંબાજી- આબુ રોડ નવી રેલવે લાઇનને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. જેની પાછળ રૂ.2798.16 કરોડનો ખર્ચ અંદાજાયો છે. આ લાઇન નાખવા રસ્તામાં આવતાં 11 મોટા પહાડો ચીરવા પડશે. આ પ્રોજેક્ટ પૂરો થતાં શક્તિપીઠ અંબાજી રેલવે સેવાથી જોડાઇ જશે. નવી રેલ લાઇનની કુલ લંબાઈ 116.65 કિલોમીટર હશે અને આખો પ્રોજેક્ટ 2026-27 સુધીમાં પૂર્ણ થશે.

ગુજરાતના બનાસકાંઠા અને મહેસાણા જિલ્લા, રાજસ્થાનના સિરોહી જિલ્લામાંથી પસાર થશે બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ આ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટથી અંબાજી રેલવેથી દેશ સાથે જોડાવાની સાથે રેલવેની કનેક્ટિવિટીમાં પણ વધારો થશે, જે અર્થતંત્રને વધુ ગતિશીલ બનાવશે, જેનાથી આ વિસ્તારનો સામાજિક આર્થિક વિકાસ વધશે.

  અટલ સમાચાર તમારા મોબાઇલમાં મેળવવા અહીયા ક્લિક કરો
અંબાજી અને તારંગા દેશ સાથે રેલસેવાથી જોડાશે અંબાજી હિન્દુઓનું સૌથી મોટું તીર્થસ્થળ છે, ભારતના 51 શક્તિપીઠોમાં તેની ગણના થાય છે. દર વર્ષે ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી લાખો ભક્તો રોડ માર્ગે દર્શને આવે છે. આ લાઇનના નિર્માણથી આ લાખો શ્રદ્ધાળુઓને સરળ મુસાફરીની સુવિધા મળશે. તારંગા હિલ ખાતે 24 જૈન તીર્થંકરો પૈકીના એક અજિતનાથ પ્રભુનું જિનાલય આવેલું છે. અહીં આવતા ભક્તોને પણ કનેક્ટિવિટીનો ઘણો ફાયદો થશે.

આ નવી રેલ લાઇનના નિર્માણથી રાજસ્થાન અને ગુજરાત સહિત દેશભરમાંથી બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વવિદ્યાલય માઉન્ટ આબુ ખાતે આવતા સાધકોને વૈકલ્પિક રેલમાર્ગ ઉપલબ્ધ થશે તેમજ શક્તિપીઠ અંબાજી અને તારંગા જૈન તીર્થસ્થાનનું જોડાણ પણ થશે. વિસ્તારમાં લોકોને રોજગારી મળશે. ટ્રેનોના આગમનથી પહાડોથી ઘેરાયેલા ધાર્મિક વિસ્તારમાં નવી ઊર્જા આવશે. સ્થાનિક જનતાને સારી અને સસ્તી રેલ સુવિધા આપવા માટે આ એક મોટું પગલું છે. આ વિસ્તારમાં રોજગારીનું સર્જન થશે અને સ્થાનિકોને વિકાસની નવી તકો મળશે. આ રેલ લાઇન રોજિંદા મુસાફરો માટે ખાસ લાભદાયી બનશે. વેપાર અને સામાજિક કાર્યો માટે આવતા લોકોને સસ્તી અને સરળ રેલસેવા મળશે. દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે સીધું રેલજોડાણ બનશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને દર્શનાબેન જરદોષનો આભાર માનું છું. - શારદાબેન પટેલ, સાંસદ મહેસાણા