બ્રેકિંગ@વિધાનસભા: પૂંજા વંશ અને ગેનીબેનનો સરકાર પર આક્ષેપ-લમ્પી વાયરસને નાથવામાં સરકાર નિષ્ફળ, વિપક્ષનું ગૃહમાંથી વૉક આઉટ
Geniben Thakor

અટલ સમાચાર, ડેસ્ક 

ગુજરાત વિધાનસભાના બે દિવસના ટૂંકા સત્રનો આજે બીજો દિવસ છે. ત્યારે આજે વિધાનસભા સત્રના બીજા અને અંતિમ દિવસે પણ ગૃહમાં કોંગ્રેસે હોબાળો મચાવ્યો છે. કોંગ્રેસે આજે ગૃહમાં  લમ્પી વાયરસ મુદ્દે ચર્ચા કરવાની માંગ કરી હતી. પરંતુ અધ્યક્ષે તેઓની માંગ ન સ્વીકારતા કોંગ્રેસે આજે પણ હોબાળો મચાવ્યો. હોબાળા બાદ કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાંથી વોક આઉટ કરી દીધું હતું. કોંગ્રેસે લમ્પી વાયરસ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી, જે અધ્યક્ષ દ્વારા સ્વીકારવામાં ન આવતા કોંગ્રેસ હોબાળો મચાવ્યો હતો અને બાદમાં ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું.

અટલ સમાચાર તમારા મોબાઈલમાં મેળવવા અહી કિલક કરો

કોંગ્રેસના ધારાસભ્ય પૂંજા વંશે નિવેદન આપતા જણાવ્યું કે, 'સરકાર લમ્પી વાયરસને કંટ્રોલ કરવામાં નિષ્ફળ નીવડી. રાજ્યમાં કચ્છ અને જામનગરથી લમ્પી વાયરસની શરૂઆત થઈ હતી. જો પૂરતી રસી મળી હોત તો લમ્પી વાયરસ કંટ્રોલ થયો હોત. ગાયો તડફડીને મરી રહી છે. મે ટૂંકી મુદ્દતનો પ્રશ્ન દાખલ કર્યો હતો. પરંતુ સંવેદનાપૂર્વક ચર્ચા કરવાના બદલે મારો પ્રશ્ન રદ કરાયો. આ મુદ્દાને વિધાનસભામાં મે ઉછાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પશુપાલન મંત્રીએ અસંમતિ દર્શાવી છે. લમ્પી વાયરસમાં યોગ્ય રીતે વળતર ચૂકવવાની અમારી માંગણી છે. 25 હજારથી દોઢ લાખ ગાયની કિંમત છે. સરકાર સર્વે કરાવી વળતર ચૂકવે. તાત્કાલિક લમ્પી વાયરસને કંટ્રોલ કરવામાં આવે.

વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે શું કહ્યું ? 

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ લમ્પી વાયરસને લઇને નિવેદન આપતા જણાવ્યું હતું કે, 'સરકાર લમ્પી વાયરસને નાથવામાં નિષ્ફળ રહી. સરકારે રૂ.500 કરોડની જોગવાઈ પાંજરાપોળ માટે કરી હતી. હજુ પાંજરાપોળને તેમની ગ્રાન્ટ આપવામાં નથી આવી. પાંજરાપોળમાં આવતી દાનની રકમમાં પણ ઘટાડો થયો. ગૌ-ભક્તો, સાધુ-સંતો ગાયને બચાવવા માટે ઉપવાસ ઉપર ઉતર્યા. આ સરકાર અંગ્રેજો કરતાં પણ નીચે ઉતરતી સરકાર છે. ધારાસભ્ય ગુલાબસિંહ છેલ્લા છ દિવસથી ઉપવાસ પર છે. સરકારનો કોઈ પ્રતિનિધિ તેમની મુલાકાત લેતું નથી. આથી જો ગુલાબસિંહને કંઈ થયું તો સરકાર જવાબદાર રહેશે.'