ખળભળાટ@પાટણ: 29 શિક્ષકોને જવું પડશે જૂની શાળામાં, નિયામકે રદ્દ કરેલા હુકમો હાઇકોર્ટે માન્ય રાખ્યાં

 
Patan Jilla panchayat
અગાઉ શિક્ષકોને રાહત મળી હતી પરંતુ નિયામકે પણ હાઇકોર્ટમાં આગળની રજૂઆત કરતાં શિક્ષકોની બદલી રદ્દ યોગ્ય ઠરી
અટલ સમાચાર ડોટ કોમ, પાટણ
પાટણ જિલ્લામાં ફરી એકવાર શિક્ષકોની બદલીઓને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ ડીપીઈઓ ચૌધરીએ કરેલી બદલીઓ વિવાદાસ્પદ બન્યા બાદ નિયામકે અલગ અલગ તબક્કામાં 80થી વધી શિક્ષકોની બદલી રદ્દ કરી હતી. આથી અનેક શિક્ષકો આખરે હાઇકોર્ટમાં જતાં પ્રથમ તબક્કે રાહત મળતાં બદલી માન્ય રહી હતી. આ પછી નિયામકે હાઇકોર્ટના દ્વાર ખખડાવતાં જે નિર્ણય થયો તેમાં શિક્ષકોને ચોંકાવનારી સ્થિતિ બની છે. હાઇકોર્ટના નિર્ણયમાં પૂર્વ ડીપીઇઓ ચૌધરીએ કરેલી બદલી આખરે અમાન્ય રહી છે. આથી ત્રણ અઠવાડિયાં કુલ 29 શિક્ષકોને આખરે મૂળ શાળામાં પરત ફરવાની નોબત આવી છે.
પાટણ જિલ્લામાં શિક્ષકોની વિવાદાસ્પદ બદલી મામલે હાઇકોર્ટે કેટલાક દિવસો અગાઉ જે હુકમ કર્યો તે સામે આવ્યો છે. તત્કાલીન ડીપીઈઓ ચૌધરીએ કરેલી અનેક બદલીઓ પૈકી નિયામકે 80થી વધુ બદલીઓ રદ્દ કરી હતી. આ રદ્દ બદલી પૈકીના અનેક શિક્ષકોએ આખરે નિયામકના નિર્ણય વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરી હતી. જેમાં પ્રથમ તબક્કે હાઇકોર્ટે જે આદેશ કર્યો તેનાથી શિક્ષકોને રાહત રહી હતી. એટલે કે તત્કાલીન ડીપીઇઓ ચૌધરીએ કરેલી બદલી વાળી શાળાએ ટકી રહેવા અનુકૂળ બન્યું હતું. જોકે હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય નિયામકે પણ હાઇકોર્ટમાં પોતાનો પક્ષ રજૂ કરી અરજી દાખલ કરી હતી. જેની સુનાવણીને અંતે હાઇકોર્ટે પૂર્વ ડીપીઇઓ ચૌધરીએ કરેલી બદલી રદ્દ રાખીને નિયામકના હુકમો યોગ્ય રાખ્યાં હતા. એટલે કે પ્રાથમિક શિક્ષણ નિયામકે રદ્દ કરેલી બદલીઓ આખરે રદ્દ થવા પાત્ર બની હતી. આ કેસમાં હાઇકોર્ટે કુલ 29 શિક્ષકોની બદલી રદ્દ હોવાનો હુકમ યથાયોગ્ય ગણી ત્રણ અઠવાડિયામાં મૂળ શાળામાં પરત કરવા હુકમ કર્યો હતો.
સમગ્ર મામલે પાટણ જિલ્લાના ઇન્ચાર્જ પ્રાથમિક શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું કે, "હા કુલ 29 શિક્ષકોની બદલી રદ્દ યોગ્ય ગણાઈ છે અને તેઓને ત્રણ અઠવાડિયામાં જે તે શાળામાં પરત કરવાના હુકમ થયેલો છે". સૂત્રોએ જણાવ્યું હતું કે, આ 29 શિક્ષકોએ જે શાળાઓમાંથી બદલી થઇને આવ્યા હતા તે હારિજથી રાધનપુર, સાંતલપુર પંથકની છે. હાલમાં આ 29 શિક્ષકો સંભવતઃ પાટણ, હારિજ, સિધ્ધપુર, ચાણસ્મા કે સરસ્વતી તાલુકાની શાળાઓમાં ફરજ પર હોઈ શકે છે. હાઇકોર્ટના હુકમને ત્રણ અઠવાડિયાનો સમય થવા આવ્યો હોઇ મૂળ શાળામાં પરત કરવાનો સમય આવતાં મામલો ગરમાયો છે.