મર્ડર@સુરત: સગરામપુરા વિસ્તારમાં 17 વર્ષીય સગીરની હત્યા કરી નાખતા ચકચાર મચી

 રૂપિયા બાબતે અન્ય ઈસમોએ હુમલો કર્યો હતો.
 
મર્ડર@સુરત: સગરામપુરા વિસ્તારમાં 17 વર્ષીય સગીરની હત્યા કરી નાખતા ચકચાર મચી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

શહેરના અઠવા વિસ્તારમાં આવેલા સગરામપુરા વિસ્તારમાં 17 વર્ષીય સગીરની હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ હતી

મળતી માહિતી પ્રમાણે, સુરતમાં મંડપ ડેકોરેશનમાં મદદરૂપ થતા માનિયા રજાઉ ઉસેન નામનો 17 વર્ષીય કિશોર સગરામપુરાના મિત્રો સાથે ગયો હતો. તે દરમિયાન ચા મંગાવી અને તે લોકો ચા પીતા હતા. એટલામાં અમુક લોકો ચપ્પુ અને લાકડી સાથે ઘસી આવ્યા હતા અને ગાળો ભાંડવા માંડ્યા હતા. એક ઈસમ રૂપિયા માંગતો હોવાથી તેમણે મારામારી કરવાની શરૂ કરી હતી. જેમાં માનિયા વચ્ચે પડ્યો હતો. તેમાં આ લોકોએ માનીયા પર ચપ્પુ હુલાવી દેતા ગંભીર ઇજા પહોંચી હતી.

જ્યારે બબાલ ચાલતી હતી તે દરમિયાન પોલીસની પીસીઆર વાન પહોંચી જતા હુમલાખોર ભાગી છૂટ્યા હતા.
આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક ટોળું આવે છે અને માનિયાના મિત્રો પર હુમલો કરે છે. માનિયાને ગંભીર ઇજા પહોંચતા ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર બાદ માનિયાનું મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં આ સમગ્ર મામલો રૂપિયાની લેતી દેતીનો હોવાનું સામે આવ્યું હતું. જેમાં 30 હજાર રૂપિયા માનિયાના મિત્રએ લીધા હતા. તેની ઉઘરાણી માટે ચાની કિટલી પર ટોળું પહોંચ્યું હતું. જોતજોતામાં માનિયા અને તેમના મિત્રો પર હુમલો કરી દેતા માનિયાને છાતીના ભાગે ચપ્પુ વાગી જતા ગંભીર ઇજા પહોંચતા તેનું મોત થયું હતું. આ ઘટના બની ત્યારે પોલીસ આવી પહોંચતા હુમલાખોર ભાગી છૂટ્યા હતા. તેથી પોલીસે તેમને પકડવા માટે તેમની પાછળ ટિમ મોકલી હતી. જેમાં પોલીસે હુમલાખોર ત્રણ હત્યારાની ધરપકડ કરી અન્યને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.