દુર્ઘટના@સુરત: BRTS બસે અડફેટે લેતાં 6 વર્ષનાં બાળકનું મોત નીપજ્યું
બસના ચાલકે બ્રેક જ મારી ન હતી અને મારા દીકરાને અડફેટે લીધો હતો. બસચાલક પહેલા ઉભો રહ્યો હતો. ત્યારબાદ બસ મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો.
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં દુર્ઘટનાનાં બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. સુરતના સિટી લાઈટ વિસ્તારમાં અણુવ્રત દ્વાર પાસે બીઆરટીએસ બસે અડફેટે લેતાં 6 વર્ષનો બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા મોત નિપજ્યું હતું. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકને 108 એમ્બ્યૂલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને સર્જીકલ આઇસીયુ વોર્ડમાં દાખલ કરી વધુ સારવાર આપવામાં આવી રહી હતી. જો કે, તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૃતક બાળકના પિતાએ જણાવ્યું હતું કે, બસચાલકે બ્રેક જ ન મારી અને મારા દીકરાને અડફેટે લઈ લીધો હતો.
નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના વતની દીપક સોલંકી હાલ સિટી લાઈટ અણુવ્રત દ્વાર બ્રિજ નીચે ત્રણ સંતાન સહિતના પરિવાર સાથે રહે છે. તે મિસ્ત્રી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેના સંતાન પૈકી રૂદ્ર (6 વર્ષ) ગતરોજ મિત્રો સાથે બ્રિજની નીચે રમી રહ્યો હતો. આ સમયે રોડ ક્રોસ કરતા ત્યાંથી પસાર થતી બીઆરટીએસ બસચાલકે રૂદ્રને ટક્કર મારી હતી.
રૂદ્રને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી. આથી તેને તાત્કાલિક 108 એમ્બ્યૂલન્સ મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને વધુ સારવાર માટે સર્જીકલ આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં રૂદ્રની તબિયત ખૂબ જ નાજુક હતી. દરમિયાન આજે સવારે 5:30 વાગ્યે રુદ્રએ દમ તોડી દીધો હતો. દીકરાના મોતના પગલે પરિવારમાં શોકનો માલ છવાઈ ગયો હતો.
મૃતક બાળકના પિતા દીપકભાઈએ જણાવ્યું હતું કે, મારો દીકરો દ્વાર પાસે રમી રહ્યો હતો ત્યારે બીઆરટીએસ રૂટ ક્રોસ કરી રહ્યો હતો. દરમિયાન બીઆરટીએસ બસના ચાલકે અડફેટે લીધો હતો. બસના ચાલકે બ્રેક જ મારી ન હતી અને મારા દીકરાને અડફેટે લીધો હતો. બસચાલક પહેલા ઉભો રહ્યો હતો. ત્યારબાદ બસ મૂકીને ત્યાંથી ભાગી ગયો હતો.