રિપોર્ટ@નવસારી: તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં 6 વર્ષની બાળકી પડી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં હૃદય કંપાવી ઉઠે એવી ઘટના સામે આવી છે. નવસારીના બીલીમોરામાં તંત્રની બેદરકારીના કારણે ખુલ્લી ગટરમાં 6 વર્ષની બાળકી પડી જતા લાપતા બની છે.
જીવનજ્યોત એપાર્ટમેન્ટ વિસ્તારમાં રહેતી 6 વર્ષની બાળકી લાપતા થતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. સીસીટીવી ચકાસતા પોતાના ઘર નજીક વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં બાળકી ખાબકી હોવાનું જોવા મળ્યું હતું. બાળકી ગટરમાં પડ્યા બાદ ધીમે ધીમે પાણીમાં ગરકાવ થતી જોવા મળી હતી. સીસીટીવી ચેક કર્યા બાદ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બાળકીની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
પાંચ-છ કલાક સુધી શોધખોળ કર્યા બાદ રાત્રે 10 વાગ્યા પછી ફરી વરસાદ શરૂ થતા બચાવ કામગીરીમાં વિક્ષેપ પડ્યો હતો. પૂર્વ વિપક્ષી નેતાના જણાવ્યા મુજબ રાત્રિના સમયે વરસાદ ચાલુ હોવાથી બચાવ કામગીરી થઈ શકે તેવી સ્થિતિ નથી. સવારે ફરીથી શોધખોળનું કાર્ય શરૂ કરાશે.