રિપોર્ટ@દાહોદ: 61 વર્ષીય વૃદ્ધનું મધમાખીના હુમલાથી મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં મોતની અવાર-નવાર ઘટનાઓ સામે આવતી હોય છે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ધાનપુર ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં 61 વર્ષીય વૃદ્ધનું મધમાખીના હુમલાથી મોત નીપજ્યું છે. 15મી જાન્યુઆરીના રોજ બનેલી આ ઘટનામાં પરમાર ફળિયામાં રહેતા મસુલભાઈ કલાભાઈ પરમાર ખાટી આંબલીના ઝાડ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક મધમાખીનું ઝુંડ તેમના પર તૂટી પડ્યું હતું.
મધમાખીઓએ મસુલભાઈના આખા શરીર પર હુમલો કર્યો હતો, જેના કારણે તેઓ બૂમાબૂમ કરવા લાગ્યા હતા. તેમની બૂમો સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ગંભીર હાલતમાં તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.
આ ઘટના અંગે મૃતકના સંબંધી રાહુલભાઈ ચતુરભાઈ પરમારે લીમખેડા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસે અકસ્માત મોતનો કેસ નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ દુર્ઘટનાએ સમગ્ર પરિવાર અને ગામમાં શોકની લાગણી ફેલાવી છે.