ઘટના@અમરેલી: 7 વર્ષીય બાળકને દીપડો ઢસડી ગયો, માસૂમનું દર્દનાક મૃત્યુ

વનવિભાગની ટીમો દોડી આવી
 
ઘટના@અમરેલી: 7 વર્ષીય બાળકને દીપડો ઢસડી ગયો,  માસૂમનું દર્દનાક મૃત્યુ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં પશુઓના હુમલાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. અમરેલીના બાબાપુર ગામ નજીક બાળક પર દીપડાના હુમલાની હચમચાવી દેતી ઘટના સામે આવી છે.

વાડીમાં રમી રહેલા 7 વર્ષીય બાળકને એક દીપડો ઢસડી ગયો હતો. મોઢું દબોચી લેતા બાળકનું ઝડબું બહાર કાઢી લીધુ હતું. આ દરમિયાન નજીકમાં જ હાજર પરિવારના સભ્યોએ તૂરંત દીપડાની પાછળ દોટ મુકી હતી.

જેને પગલે ઘાસમાં બાળકને ફેંકીને દીપડો ભાગી ગયો હતો. જોકે, દીપડાએ બાળકને ફાડી ખાધો હતો, જેથી તેનું ઘટના સ્થળે જ દર્દનાક મોત થયું હતું. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છે તો સ્થાનિકોમાં ભય ફેલાયો છે.

બાબાપુરના તરવડા ગુરૂકુળ પાસે એક વાડીમાં મધ્યપ્રદેશના પરપ્રાંતી પરિવાર કામ કરી રહ્યો હતો. આ દરમિયાન એક દીપડો આવી ચડ્યો હતો અને એક 7 વર્ષના બાળક પર હુમલો કરી દીધો હતો. દીપડાએ બાળકને ફાડી ખાધો હતો. જોકે, પરિવાર સહિતના લોકોમાં ભારે દેકારો મચી જતા દીપડો ભાગી ગયો હતો. દીપડાના હુમલામાં ગંભીરરીતે ઈજા ગ્રસ્ત થયેલા બાળકનું મોત થયું છે.


આ ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમો દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે. આસપાસના ખેડૂતો પણ મોટી સંખ્યામાં દોડી આવ્યાં હતા. દીપડાને તાત્કાલિક પકડવા માટેની માંગ કરી હતી. દીપડાએ હુમલો કરતા કિશોરનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પરિવારના સભ્યોએ કિશોરને હોસ્પિટલમાં ખસેડ્યો હતો પણ તે પહેલા જ તેનું મોત થઈ ગયુ હતું. મૃતક કિશોરને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આકેશ બજરીભાઈ સોલંકી ઉ.7 ઉપર દીપડાએ કરેલા હુમલાના કારણે ઘટના સ્થળે જ મોત થયું જેના કારણે આસપાસના ખેડૂતો લોકોમાં ઘેરાપ્રત્યાઘાતો પડ્યા છે અને ફફડાટ ફેલાયો છે ઝડપથી વનવિભાગ દીપડાને પકડી દૂર ખસેડવાની લોકોએ માંગ ઉઠાવી છે.


મોડી રાતે બાબાપુર આસપાસના વિસ્તારમાં વનવિભાગ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દીપડાને પકડવા માટે પાંજરા પણ ગોઠવી દેવામાં આવ્યા છે. આજે ફરી દીપડાનું સ્કેનિંગ કરી દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવશે.