ગુનો@ગુજરાત: એક ધંધાર્થીનુ અપહરણ કરી તેની પાસેથી કરોડો રૂપિયાની ખંડણી પણ માંગવામાં આવી

ચાર આરોપીઓની ધરપકડ
 
ગુનો@ગુજરાત: એક ધંધાર્થીનુ અપહરણ કરી તેની પાસેથી કરોડો રૂપિયાની ખંડણી પણ માંગવામાં આવી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અપહરણના કેસ ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અપહરણો બનાવ સામે આવતોજ હોય છે. રાજકોટના એક વ્યક્તિની અમદાવાદમાંથી અપહરણ કરાવવાની ઘટના સામે આવી છે. એક ધંધાર્થીનુ અપહરણ કરી તેની પાસેથી કરોડો રૂપિયાની ખંડણી પણ માંગવામાં આવી હતી. જોકે અપહરણ થયેલા વ્યક્તિએ જેમ તેમ રૂપિયાનો હવાલો પડાવી અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત થયો હતો.

જે બાદ તેણે બોપલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ ઉપરથી પોલીસે તપાસ શરૂ કરી હતી અને ચાર આરોપીની ધરપકડ કરી છે. જોકે આ સમગ્ર કેસમાં હવે થઈ રહ્યા છે અનેક ચોંકાવનારા ખુલાસાઓ.

બોપલ પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે. આ ચારેય આરોપીએ અપહરણ કરી ખંડણી માંગવાના કેસમાં ધરપકડ કરવામાં આવી છે. પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપી પ્રકાશ ભરવાડ, ભુપત ભરવાડ, શૈલેષ ભરવાડ અને કાંતિલાલ ભેસદડીયા છે. આ ચાર આરોપીઓ 19 તારીખના રોજ મૂળ રાજકોટના રહેવાસી અને અમદાવાદ સારવાર માટે આવેલા પ્રદીપ ડાવેરાનું અપહરણ કરી ગયા હતા.

દંતાલી પાસે અવાવરું જગ્યાએ લઈ જઈ ગોંધી રાખી ખાટલા સાથે બાંધી રાખી 10 કરોડની ખંડણી માંગી હતી. જે ખંડણીની જવાબદારી પ્રદીપના મિત્ર સાગર કુગસીયાએ સ્વીકારતા તેનો છુટકારો થયો હતો. અપહરણ માંથી છૂટ્યા બાદ પ્રદીપે બોપલ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. બોપલ પોલીસે આ ચારેય આરોપીઓની ધરપકડ કરી છે. જોકે બોપલ પોલીસ હજુ ત્રણ આરોપીઓની શોધખોળ છે, જે આ ગુનામાં સામેલ છે.

પૂછપરછમાં સામે આવ્યું કે આ ગુનામાં અન્ય ત્રણ લોકો પણ સામેલ છે. જેમાં સુરેશ ઉર્ફે ભૂરો જોગાવા, રામભાઈ ભરવાડ અને મોનીલ નાકરાણીની સંડોવણી છે. જેમાં મુખ્ય આરોપી મોનીલે દુબઈથી પ્રદીપનું અપહરણ કરી રૂપિયા માંગવાની ટીપ સુરેશ ઉર્ફે ભૂરો જોગાવાને આપી હતી. ખંડણી વસૂલવા આરોપીઓએ માર પણ માર્યો હતો.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે અપહ્યુત પ્રદીપ ટીપ આપનાર મોનીલ અને કાંતિભાઈ ભાગીદાર હતા. 2015માં રાજકોટમાં આશિષ ક્રેડિટ સોસાયટી તેઓએ મળીને શરૂ કરી હતી. જે કોરોનાકાળ દરમિયાન બંધ થઈ ગઈ હતી. આમ કરોડો રુપિયાનુ ફૂલેકું ફેરવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

રાજકોટ અને જામનગરમાં કરોડોનું ફૂલેકું ફેરવવા બદલ પ્રદિપ સહિતના આરોપીઓ સામે અગાઉ ફરિયાદ નોંધાઈ હતી. જોકે હજી સુધી કયા કારણોસર અપહરણ કરવામાં આવ્યું અને ખંડણી માંગવામાં આવી તે હકીકત સામે આવી નથી.