બનાવ@અમદાવાદ: ટિકિટ માટે એક યુવકનું અપહરણ કરીને રૂપિયા પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ટિકિટોની કાળાબજરી કરવા માટે ટિકિટ ખરીદવા ગયા હોવાનું ખુલ્યું, પરતું ટિકિટ ન મળતાં અપહરણનું ષડ્યંત્ર રચ્યું હતું. આરોપી ઉન્મેશ અમીન, રવિ ઉર્ફે બબ્લુ પરમાર, સંજય ઉર્ફે કાળુ પરમાર અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે ભેગા મળી એક યુવકનું અપહરણ કરીને બળજબરી પૂર્વક ATMમાંથી રૂપિયા 24 હજાર પડાવ્યા છે.
સેટેલાઇટ પોલીસે અપહરણ કેસમાં આ ચારેય આરોપીની ધરપકડ કરી છે. ઘટના એવી છે કે, સ્ટેડિયમ ખાતે નોકરી કરતા વિવેક વાળાને ભારત-પાકિસ્તાનની ટિકિટ ખરીદવા બહાને આરોપીઓ ઇસ્કોન બ્રિજ પાસે બોલાવીને અપહરણ કર્યું અને વેજલપુર રેલવે ક્રોસિંગ નજીક લઈ જઈ મારમારીને ATMમાંથી રૂપિયા 24 હજાર પડાવી લીધા હતા. જે ઘટનાને લઈ વિવેક વાળાએ ફરિયાદ દાખલ કરતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પકડાયેલ આરોપીઓ ટિકિટની કાળાબજરી કરવા માટે ટિકિટ ખરીદવા સ્ટેડિયમ ગયા હતા.
ત્યારે સ્ટેડિયમ પર વિવેક વાળા સાથે મુલાકાત થઈ હતી. વિવેક વાળાએ ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ આપવાની વાત કરી હતી કારણ કે વિવેક વાળાને અન્ય એક વ્યક્તિએ ટિકિટ વેચવા માટે કહ્યું હતું. તેથી વિવેક આરોપી અને અન્ય વ્યક્તિના વચેટિયા તરીકે આરોપી પાસે ગયો હતો, પરતું વિવેક પાસે ટિકિટ નહિ હોવાથી આરોપીઓને શંકા ગઈ હતી. તેથી તેમણે વિવેકનો એક વીડિયો બનાવ્યો જેમાં બોગસ ટિકિટ વેચીને 13 લાખનું ફ્રોડ કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
તેમજ વિવેકને મારમારીને પૈસા પડાવ્યા હતા. જેમાં વિવેક પાસે 5 લાખ રૂપિયા માંગીને 24 હજાર પડાવી લીધા હતા. સેટેલાઇટ પોલીસ સ્ટેશનના પીઆઇ કેતન વ્યાસ કહેવું છે કે, પકડાયેલા આરોપીઓનો કોઈ ગુનાહિત ઇતિહાસ નહીં હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપીઓ અભ્યાસ કરતા હોય અને ટિકિટોની કાળા બજારી માટે ષડયંત્ર રચ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ શરૂ કરી છે.