હડકંપ@સુરત: વેપારીને હક્કના નાણાં સરકારમાંથી લેવાના હતા, ટેક્ષ અધિકારીએ માંગી લાંચ, મચી દોડધામ

અટલ સમાચાર ડોટ કોમ, સુરત
લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની ટીમે આજે ઉપરાછાપરી સપાટો બોલાવ્યો હોવાના ઘટનાક્રમ સામે આવી રહ્યા છે. વેપારી મથક સુરત ખાતેથી રાજ્ય વેરા વિભાગનો લાંચિયો અધિકારી ઝડપાઈ જતાં ખળભળાટ મચી ગયો છે. વેરો ભરતા વેપારીને હક્કના નાણાં સરકારમાંથી લેવાના હતા એટલે કે રિફંડ મેળવવા દરમ્યાન નિયમોનુસાર પ્રક્રિયા કરી આપવા સામે વેરા અધિકારીએ 15હજારની લાંચ માંગી હતી. આ બાબતની ફરિયાદ આવતાં ગોઠવાયેલ ટ્રેપ મુજબ બરોબર સમયે સુરત ગ્રામ્ય એસીબી ટીમ રાજ્ય કર ભવન, સુરતની કચેરીમાં ત્રાટકી હતી. અહીંથી ઘટક 61ના ક્લાસ ટુ અધિકારી નિલેશ પટેલ લાંચ લેતા રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
સુરત શહેર નજીક વિસ્તારમાં દુકાન ધરાવતા એક વેપારીનો ટેક્ષ અધિકારીની માંગણીનો જે કડવો અનુભવ થયો અને પછી વેપારીએ જાગૃત બની જે કર્યું તે ઘટનાક્રમ સામે આવ્યો છે. રેગ્યુલર ટેક્ષ ભરતા વેપારીને કાયદેસરનુ રીફંડ લેવાનુ નિકળતુ હોઈ રીફંડની રકમ પરત મેળવવા કવાયત હાથ ધરી હતી. આ દરમ્યાન રિફંડ બાબતની કાર્યવાહી કરવાના અવેજ પેટે ઘટક 61ના રાજ્ય વેરા અધિકારી નિલેશ પટેલે રૂ.૧૫,૦૦૦/-ની લાંચ માંગી હતી. જોકે જાગૃત વેપારી લાંચની રકમ આપવા માંગતા ના હોવાથી સુરત ગ્રામ્ય એસીબી પોલીસનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી. જે આધારે સુરત ગ્રામ્ય એસીબી ટીમે લાંચના છટકાનું આયોજન કરતાં રાજ્ય વેરા અધિકારી નિલેશ પટેલે વેપારી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂ. ૧૫,૦૦૦ /- સ્વીકારી લીધી હતી. બરોબર આ સમયે એસીબી પોલીસે ત્રાટકી લાંચિયા વેરા અધિકારી નિલેશ પટેલને રંગેહાથ ઝડપી લીધા હતા.