બનાવ@પાટણ: બાઇક અને એક્ટિવાની સામ-સામે ધડાકાભેર અથડાતા રોડની સાઇડમાં ઊભેલા ડોક્ટર દેવદૂત બન્યા

 ડોક્ટરે તરત જ સારવાર આપી યુવકને બચાવ્યો

 
બનાવ@પાટણ: બાઇક અને એક્ટિવાની સામ-સામે ધડાકાભેર અથડાતા રોડની સાઇડમાં ઊભેલા ડોક્ટર દેવદૂત બન્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક દુર્ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં જ પાટણથી અકસ્માતની ઘટના સામે આવી છે.  પાટણમાં બાઇક અને એક્ટિવાની અકસ્માતની ઘટના સામે આવી છે. જોકે, આ અકસ્માતમાં એક ડોક્ટર જાણે કે દેવદૂત બનીને આવ્યા હોય એમ તુરંત સારવાર આપતાં કોઇ જાનહાનિ થઇ નથી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.


આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ પાટણ શહેરના ચાણસ્મા હાઇવે પર ગોલ્ડન ચોકડીથી બીજા રેલવે નાળા તરફ જવાના રસ્તા ઉપર એક બાઈક અને એક્ટિવા સામ સામે ધડાકા સાથે અથડાતા બંનેના ચાલક ઉછળીને રોડ પર પટકાયા હતા સદનસીબે આ સમયે અહીં રોડની સાઇડમાં ઉભેલા કેટલાક લોકોમાં એક ભાઈ ડોક્ટર હતાં. તેમણે તુરંત દોડી જઇને બેભાન હાલતમાં એક યુવાનને તાકીદની સારવાર આપતાં યુવાનનો જીવ બચી ગયો હતો. બધાએ યુવાનનો જીવ બચાવવા માટે મહેનત કરનાર ડોક્ટરને તેમની તાકીદની સેવા બદલ બિરદાવ્યા હતા.


સામે આવેલા સીસીટીવામાં જોવા મળે છે કે, આ રોડની સાઇડમાં કેટલાક લોકો ઉભા ઉભા વાતો કરે છે. આ દરમિયાન રોડ પર બાઇક અને એક્ટિવા ધડાકાભેર અથડાય છે. જેમાં બંને ટુવ્હિલરના ચાલકો ઉછળીને રોડ પર પડે છે. જેમાં એક યુવક બેભાન થઇ જાય છે. આ દરમિયાન રોડની સાઇડમાં ઉભેલા લોકો દોડીને જાય છે. જેમાં લાલ કપડામાં ડોક્ટર છે, જે તાત્કાલિક યુવકને સારવાર આપતાં યુવકનો જીવ બચી જાય છે.