બનાવ@અમદાવાદ: મધુબન કોમ્પ્લેક્સના 3 માળે અચાનક ભીષણ આગ લાગી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

કાચ તોડી 45 લોકોને બહાર કાઢ્યાં
 
 બનાવ@અમદાવાદ: મધુબન કોમ્પ્લેક્સના 3 માળે અચાનક ભીષણ આગ લાગી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાના ભયાનક બનાવો સામે આવતા હોય છે.  અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં માદલપુર ગરનાળા પાસે આવેલા મધુબન કોમ્પ્લેક્સના ત્રીજા માળે ભીષણ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. એસીમાં આગ લાગવાના કારણે ધીમે-ધીમે ધુમાડો વધ્યો હતો. જે સમગ્ર કોમ્પલેક્ષમાં ફેલાઈ ગયો હતો. આગ લાગવાની જાણ થતા તાત્કાલિક કોમ્પલેક્ષમાં આવેલી ઓફિસમાં રહેલા લોકો ધાબા ઉપર જવા માટે પહોંચ્યા હતા, પરંતુ ધાબાનો દરવાજો બંધ હોવાથી તેઓ નીચે નવમા માળે આવેલી એક ઓફિસમાં રોકાઈ ગયા હતા.


અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા તાત્કાલિક ચીફ ફાયર ઓફિસર સહિત ફાયર બ્રિગેડની 10 ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઓફિસની બારીઓના કાચ તોડી અને જે ધુમાડો કોમ્પ્લેક્સમાં ફેલાયેલો હતો, તેને દૂર કરવાની શરૂઆત કરી હતી. પાણીનો મારો ચલાવી અને આગને કાબુમાં લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા એક તરફ આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી તો બીજી તરફ ફાયર બ્રિગેડની એક ટીમ દ્વારા લોકોનું ધીમે-ધીમે રેસ્ક્યૂ કરવાનું શરૂઆત કરવામાં આવી હતી. કુલ 45 લોકોને ધીમે ધીમે નીચે ઉતારવામાં આવ્યા હતા.


અમદાવાદ ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયાએ જણાવ્યું હતું કે, મધુબન કોમ્પ્લેક્સમાં ચોથા માળે એસીના ડોકમાં પાછળના ભાગે આગ લાગી હતી. આશરે 10 જેટલી ગાડીઓ રવાના કરવામાં આવી હતી. કોમ્પ્લેક્સમાં ઓફિસો આવેલી છે અને જેમાં લોકો કામ કરતા હતા. કુલ 45 જેટલા લોકોને અમે રેસ્ક્યુ કર્યા છે. બ્રિથિગ સિસ્ટમનો ઉપયોગ કરીને લોકોનું રેસ્ક્યૂ કરવાની કામગીરી કરવામાં આવી હતી.


મધુબન કોમ્પ્લેક્સમાં આઠમા માળે આવેલી ઓફિસમાં નોકરી કરતા કુણાલ મકવાણાએ  સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે અમારી ઓફિસમાં હાજર હતા, ત્યારે અચાનક આગ લાગી હતી. જે અંગે અમને પહેલા કોઈ જાણ નહોતી, પરંતુ થોડી વાયર બળતો હોવાની વાસ મારી હતી, ત્યારબાદ એક વ્યક્તિએ આવીને અમને કહ્યું કે, આગ લાગી છે. જેથી અમારા સાહેબ અમને કહ્યું કે તાત્કાલિક સિસ્ટમ બંધ કરી અને તમે બહાર નીકળી જાઓ. જેથી અમે લોકો ઓફિસની બહાર નીકળ્યા, પરંતુ સીડીઓમાં બહાર ધુમાડો દેખાતો હતો, જેથી તાત્કાલિક અમે લોકો ધાબા ઉપર જતા હતા.


જ્યારે ધાબા ઉપર અમે પહોંચ્યા, ત્યારે ત્યાં દરવાજો બંધ હતો. તાળું હોવાથી દરવાજો ખુલી શક્યો નહોતો, જેથી અમે નીચે પાછા નવમાં માળની ઓફિસમાં આવ્યા હતા અને ત્યાં એક ઓફિસમાં અમે પહોંચી ગયા હતા. 30 મિનિટ સુધી અમે ઓફિસમાં જ રહ્યા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ આવી હતી અને તેઓએ બારીઓના કાચ તોડી ધુમાડા દૂર કર્યા હતા અને ત્યારબાદ અમને નીચે ઉતાર્યા હતા. આગ લાગી ત્યારે અનેક લોકો ઓફિસમાં હાજર હતા અને તેઓ ગભરાઈ ગયા હતા. ફાયર બ્રિગેડ દ્વારા ધીમે ધીમે કરી કુલ 45 જેટલા લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.