ગુનો@વાંકાનેર: મોટર સાયકલ ધીમું ચલાવવાનું કહેતા બે પક્ષો વચ્ચે ઝગડો થયો

પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
 
ગુનો@વાંકાનેર: મોટર સાયકલ ધીમું ચલાવવાનું કહેતા બે પક્ષો વચ્ચે ઝગડો થયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં મારા-મરીના કેસ ખુબજ વધી ગયા છે.લોકો નાની-નાની વાતમાં એક બીજા સાથે ઝગડી પડતા હોય છે.એક બીજાને જાનથી મારી નાખતા હોય છે.ચંદ્રપુર મીરાનીનગર ખાતે મોટરસાયકલ ધીમુ ચલાવવાનું કહેતા બબાલ સર્જાઇ હતી અને બે પક્ષો બાખડયા હતા. આ મામલે વાંકાનેર સિટી પોલીસમાં સામસામી ફરિયાદ દાખલ થવા પામી છે.

પ્રથમ ફરિયાદમાં ફરિયાદી ઇકબાલભાઈ અલારખાભાઈ નારેજાએ આરોપી હમીદ બ્લોચ ઉર્ફે ભુરાભાઈ અને તેના બીજા નંબરના દીકરા સિરાજ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે, તારીખ ૦૯ના રોજ સાંજના સમયે ઇકબાલભાઈ પોતાના પરિવાર સાથે ચંદ્રપુર મીરાનીનગર ખાતે આવેલા તેમના ઘર પાસે હતા ત્યારે તેમનો મોટો દીકરો અમન પોતાના મોટરસાયકલ પર બહારથી આવ્યો હતો અને તેણે ઇકબાલભાઈના પત્ની જેનુંબેનને એવી વાત કરી હતી કે જ્યારે પોતે મોટરસાયકલ પરથી પસાર થઈ રહ્યો હતો.

એ સમયે તેમની શેરીમાં રહેતા આરોપી હમીદ બ્લોચે અમનને ઉભો રાખ્યો હતો અને મોટર સાયકલ ધીમો ચલાવવા અંગે ઠપકો આપી અને બોલાચાલી કરી હતી.

જેથી ઇકબાલભાઈના પત્ની જેનુંબેન હમીદ બ્લોચને ઠપકો આપવા ગયા હતા અને હમીદ બ્લોચને તેમના દીકરાને ઉભો ન રાખવા મામલે ઠપકો આપતા હમીદ બ્લોચ જેનુંબેન સાથે બોલાચાલી કરી હતી અને તેમને ગાલ પર ફડાકા માર્યા હતા. જેથી ઇકબાલભાઈ તેમના પત્નીને બચાવવા જતા આરોપી હમીદ બ્લોચે તેના ઘરમાંથી લાકડાનો ધોકો લઈ આવી ઇકબાલભાઈને નાક પર માર્યો હતો. એ સમયે ઇકબાલભાઈનો નાનો દીકરો હુસેન તેમને છોડાવવા વચ્ચે પડતા આરોપી હમીદ બ્લોચે હુસેનના માથાના ભાગે લાકડાનો ધોકો માર્યો હતો. ઇકબાલભાઈનો દીકરો અમન તેમને છોડાવવા જતા આરોપી સિરાજે તેના ઘરમાંથી લાકડાનો ધોકો લઈ આવી અમનના માથાના ભાગે માર્યો હતો. અને મારામારી કરી પિતા-પુત્ર નાસી ગયા હતા. જ્યારે ઇકબાલભાઈ તથા તેમના પરિવારજનોને આ મારામારીમા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યારે બીજી ફરિયાદમાં ફરિયાદી હમીદભાઈ બ્લોચ ઉર્ફે ભુરાભાઈ બ્લોચે આરોપી ઇકબાલભાઈ અલારખાભાઈ નારેજા, જેનુબેન ઇકબાલભાઈ નારેજા અને અમન ઇકબાલભાઈ નારેજા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરતા જણાવ્યું હતું કે,તા.૦૯/૦૯/૨૦૨૩ના રોજ હમીદભાઈ તેમના ઘરે હતા. એ સમયે તેમની શેરીમાંથી આરોપી અમન પુરપાટ વેગે મોટરસાયકલ ચલાવતા હમીદભાઈએ તેને અટકાવ્યો હતો અને મોટરસાયકલ ધીમુ ચલાવવા બાબતે ઠપકો આપ્યો હતો. જે બાદ અમન જતો રહ્યો હતો અને થોડીવાર બાદ આરોપી અમન અને જેનુબેન હમીદભાઈના ઘર પાસે આવ્યા હતા અને બેફામ ગાળો આપી હતી. એ સમયે જેનુબેને કહ્યું હતું કે, 'મારા દીકરા અમનને કેમ ઉભો રાખ્યો?' તેમ કહીને હમીદભાઈ સાથે બોલાચાલી કરી હતી.

થોડીવારમાં તેમના પતિ ઇકબાલભાઈ હાથમાં કુહાડી લઈને આવ્યા હતા અને હમીદભાઈ ને મારવા જતા હમીદભાઈએ કુહાડી પકડી રાખી હતી અને બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી અને ત્રણેય આરોપીઓએ હમીદભાઈને ઢોર માર્યો હતો. એ સમયે હમીદભાઈનો દીકરો સિરાજ અને તેને પત્ની ત્યાં આવી જતા સિરાજ વચ્ચે પડ્યો હતો અને હમીદભાઈને છોડાવ્યા હતા આ મારામારીમાં હમીદભાઈને ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
જે મામલે વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે