ઘટના@ભાવનગર: સૂકા ઘાસમાં અચાનક ભયાનક આગ લાગતા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતુ
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કેટાલય સમયથી આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા  છે.  રોજ કોઈને કોઈ જગ્યાએથી  આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. ભાવનગર જિલ્લાના પાલીતાણાના હાથસણી ગામે આવેલા હાથસણીના ડુંગરની વચ્ચે ગાળામાં સૂકા ઘાસમાં ગત મોડી રાત્રે કોઈ કારણોસર આગની ઘટના બની હતી, જે આગ જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, આ આગની જાણ ફાયરની ટીમને કરાતા પાલીતાણા ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

આ  અંગે પાલીતાણા ફાયરવિભાગના મયંકભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, પાલીતાણાના હાથસણી ગામે આવેલ હાથસણીના ડુંગર પર રાત્રે 12 વાગ્યા આસપાસ ફાયર વિભાગને કોલ આવ્યો હતો અને ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયું હતું, આ આગ વિકરાળ હોવાને કારણે પાલીતાણા ફાયર વિભાગ દ્વારા તળાજા, સિહોર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરાતા ત્રણેય ઘટના સ્થળે દોડી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

આગ વિકરાળ હોવાને કારણે આગને કાબુ કરવા 8 કલાક જેટલો સમય લાગ્યો હતો અને 15,000 લીટર જેટલું પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ લગભગ વહેલી સવારે 8 વાગે કાબુમાં આવી હતી. આગમાં કોઈ જાનહાની થઈ ન હોવાનું જાણવા મળ્યું હતું, આ ઘટનાના પગલે પાલીતાણા ડેપ્યુટી કલેકટર, મામલતદાર અને ટીડીઓ સહિતનો દોડી ગયો હતો.