રિપોર્ટ@ગુજરાત: કાર્યાલય નજીક એક ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં હંગામો કર્યો

હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં હંગામો કર્યો
 
રિપોર્ટ@ગુજરાત: કાર્યાલય નજીક એક ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં હંગામો કર્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. છેલ્લા કેટલાય સમયથી રાજપીપળાનું રાજકરણ ગરમાયું છે. ત્યારે ગતરાત્રે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યાલય નજીક એક ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલે દારૂના નશામાં હંગામો કર્યો હતો. ચૈતર વસાવાની ઓફિસ બહાર પેશાબ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસ સ્ટેશન લઈ જતાં ત્યાં પણ મૂછ પર તાવ દઈ રોફ જમાવ્યો અને પોલીસ પર હાથ ઉગામ્યો હતો.


પ્રાપ્ત માહિતી અનુસાર ચૈતર વસાવાના સહયોગી જગદીશ વસાવાએ આપેલી ફરીયાદ મુજબ એકતાનગર ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ પ્રદીપ અમરસિંગ વસાવાએ ગતરાત્રે ડેડીયાપાડાના લીમડાચોક વિસ્તારમાં આવેલા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના કાર્યાલયે ચિક્કાર નશાની હાલતમાં પેશાબ કરી, ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પરિવારજનોને બિભત્સ શબ્દો કહ્યા હતા. આ સાથે જ નશાની હાલતમાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને ચિચિયારીઓ પાડતો હતો. આ મામલે લોકો એકઠા થઈ વીડિયો ઉતારવા લાગ્યા હતા. જેથી તે ત્યાંથી ભાગવા લાગ્યો હતો.


આ સમગ્ર બાબતે ડેડીયાપાડા પોલીસને જાણ કરતાં પોલીસે નશામાં ધૂત પ્રદીપ વસાવાને પોલીસ મથકમાં લઈ ગયા હતા. પ્રદીપ અમરસિંગ વસાવાએ ડેડીયાપાડા પોલીસ મથકમાં પણ મોટી મોટી ચિચિયારીઓ પાડી અપશબ્દો બોલી આખું પોલીસ મથક માથે લીધું હતું. નશામાં ધૂત હેડ કોન્સટેબલે પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવી મૂછ પર તાવ દઈ રોફ જમાવતો હતો. વીડિયોમાં દેખાય છે તે મુજબ તેણે પોલીસ પર પણ હાથ ઉગામ્યો હતો. પોલીસે મહાસુસીબતે તેને કાબૂમાં લઈ જેલહવાલે કર્યો હતો.


આ ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ધારાસભ્ય ચૈતર વસાવા પણ ડેડીયાપાડા પોલીસ મથકે દોડી આવ્યા હતા. પોલીસ દ્વારા હેડ કોન્સ્ટેબલ પ્રદીપ અમરસિંગ વસાવાને મેડિકલ ટેસ્ટ માટે મોડી રાત્રે લઈ જવાયો હતો. ત્યાર બાદ પ્રદીપના બ્લડ સેમ્પલ FSL ખાતે ચકાસણી માટે મોકલી અપાયા છે. પોલીસે આ મુદ્દે તપાસ હાથ ધરી છે.