દુર્ઘટના@રખિયાલ: કોરિડોરમાંથી પસાર થતા,બસ અને એક્ટિવા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો

એકટીવા ચાલક BRTS સાથે અથડાતા તેનું મોત નિપજ્યું
 
દુર્ઘટના@રખિયાલ: કોરિડોરમાંથી પસાર થતા,બસ અને એક્ટિવા વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં દિવસે-દિવસે અકસ્માતની ઘટનાઓ ખુબજ વધી રહી છે.કોઈને-કોઈ જગ્યાએથી અકસ્માતની ભયાનક ઘટના સામે આવી રહી છે.રખિયાલના પટેલ મિલ કોરિડોરમાંથી એક એક્ટિવા ચાલક પસાર થઇ રહ્યો હતો ત્યારે સામે આવી રહેલી BRTS સાથે અથડાતા ભયાનક દુર્ઘટના બની. BRTS કોરિડોરમાં વાહન ચલાવવા પર પ્રતિબંધ હોવા છતાંય કોટ અને પૂર્વ વિસ્તારમાં અનેક વાહનચાલકો બિન્દાસ્ત વાહન લઇને પસાર થતા હોય છે.જેના કારણે છાશવારે BRTS કોરિડોરમાં અકસ્માતની ઘટનાઓ બનવા પામતી હોય છે. તાજેતરમાં ઓઢવમાં BRTS કોરિડોરમાં એક બાઇકચાલક સામે આવતી બસ સાથે અથડાતા તેનું મોત નિપજ્યું હતું. ત્યારે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. ચાંદખેડામાં રહેતા 25 વર્ષીય પાર્થભાઇ પંચાલ એક્ટિવા લઇને રખિયાલ વિસ્તારમાં કોઇ કામઅર્થે ગયા હતા.બપોરે ત્રણેક વાગ્યે પાર્થભાઇ રખિયાલના પટેલ મિલ કોરિડોરમાંથી પસાર થતા હતા. ત્યારે સામેથી એક BRTS બસ આવી રહી હતી. કોરિડોર સાંકડો હોવાથી પાર્થભાઇ બીઆરટીએસ સાથે અથડાતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બસનો ચાલક અને ભેગા થયેલા લોકોએ પાર્થભાઇને સાઇડમાં લઇ જઇ પ્રાથમિક સારવાર આપી અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેઓને મૃત જાહેર કરતા આ મામલે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.