બનાવ@અમરેલી: 5 વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો અને ગળે બચકું ભરી ઢસડી ભાગ્યો

ગંભીર ઈજા પહોંચતા તેનુ મોત નિપજ્યુ 

 
બનાવ@અમરેલી: 5 વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો અને ગળે બચકું ભરી ઢસડી ભાગ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમરેલી જિલ્લામાં  દિવસે દિવસે દીપડાનો આતંક વધી રહ્યો છે.  માનવ વસાહતમાં દીપડાના હુમલાની ઘટનાઓ વધી રહી છે. જેના કારણે ફરી દીપડાની દહેશત ઉભી થઇ છે. ધારીના પાણિયાદેવ ગામ નજીક આવેલ વાડીમા સવારના સમયે પરપ્રાંતી પરિવાર કપાસ વીણતો હતો તેવા સમયે મજૂર શ્રવણભાઈની 5 વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કર્યો અને ગળે બચકું ભરી ઢસડી ભાગ્યો. 20 ફૂટ સુધી દીપડાએ બાળકીને ઢસડી હતી. બાળકીના પિતાએ બૂમો પાડતા દીપડાની પાછળ દોટ મુકી હતી. જેના કારણે દીપડો બાળકીને મુકીને ભાગ્યો હતો.

સમગ્ર ઘટનાની જાણ આસપાસના ખેડૂતોને થતા ધારી ગીર પૂર્વ વનવિભાગને થતા ઘટનાની ગંભીરતા દાખવી ગીર પૂર્વ DCF રાજદીપ સિંહ ઝાલા સહિત વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.   ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ બાળકીને મૃત જાહેર કરતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. સ્થાનીક આર.એફ.ઓ.જ્યોતિબેન વાજા સહિત અલગ અલગ ફોરેસ્ટ કર્મચારીઓ દોડી ગયા હતા અને દીપડાને પકડવા માટે 5 જેટલા પાંજરા ગોઠવ્યા.

દીપડાનું લોકેશન લેવા માટે આસપાસની સિમ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી મોડી રાતે દીપડાને પકડવા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ.  બાળકીના મોતની ઘટના બાદ DCF સતત નજર રાખી રહ્યા છે અને મૃતકના પરિવારને રાજય સરકારની સહાય આપવા માટેની કાર્યવાહી હાથ ધરી  છે. દીપડાને તાત્કાલિક પડકવા માટે આદેશ આપ્યા છે તેના કારણે વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે કવાયત શરૂ કરી દીધી છે.

આર.એફ.ઓ.જ્યોતિબેન વાજાએ જણાવ્યું આ ઘટના બની તે સ્થળે તારીખ 23-10-2023ના રોજ રાત્રીના અમે આ પરિવારને રૂબરૂ મળી માહિતી આપી હતી. માછલીઓ જેવી વસ્તુ બહાર ફેંકતા હોવાથી દીપડો આ વિસ્તારમાં વધુ અવરજવર કરે છે.  જે વિસ્તારોમાં દીપડાની વધુ અવર જવર હોય છે ત્યાં અમારી ટીમો લોકોને રૂબરૂ પહોંચી સમજાવી રહી છે. હાલમાં 5 પાંજરા મુક્યા છે, દીપડાને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે.

અમરેલી જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં દીપડાના હુમલાની ત્રીજી ઘટના સામે આવી છે. અગાઉ રાજુલાના કાતર ગામમાં બાળક ઉપર દીપડાએ હુમલો કરતા ઇજા પહોંચી હતી. ત્યારબાદ જાફરાબાદના નાગેશ્રી ગામમાં મહિલા ઉપર દીપડાએ હુમલો કરતા ઇજા પહોચી અને આજે ધારીના પાણિયાદેવ ગામમાં દીપડાએ બાળકીને મોતને ઘાટ ઉતારતા વનવિભાગમાં દોડતુ થયુ છે. તો બીજી તરફ લોકોમાં પણ ભયનો માહોલ છવાયો છે.