ગુનો@બોટાદ: બુબાવાવ ગામેથી નકલી દૂધ બનાવતી મિનિ ફેક્ટરી ઝડપાઈ

 નકલી દૂધના વેચાણનો પર્દાફાશ થયો છે.
 
ગુનો@બોટાદ: બુબાવાવ ગામેથી નકલી દૂધ બનાવતી મિનિ ફેક્ટરી ઝડપાઈ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

બોટાદના રાણપુર તાલુકાના બુબાવાવ ગામેથી નકલી દૂધ બનાવતી મિનિ ફેક્ટરી ઝડપાઈ છે. બુબાવાવ ગામની સીમમાં સફેદ દૂધનો કાળો કારોબાર ચાલતો હોવાની બાતમી પોલીસને મળતા લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ત્રાટકી હતી અને 400 લિટર નકલી દૂધના જથ્થા સહિત કુલ 91 હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો. સાથે જ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર આરોપી જેરામ ગોંડલિયાની ધરપકડ કરી હતી. પોલીસે ફૂડ ઇન્સ્પેક્ટરને સાથે રાખીને જરૂરી સેમ્પલ લઇ તેને ચકાસણી માટે મોકલી આપ્યા છે.

પોલીસે આરોપી જેરામ ગોંડલિયા પાસેથી તે દૂધની ભેળસેળ કેવી રીતે કરતો હતો, દૂધમાં શું-શું વસ્તુ ભેળવતો એનો ડેમો કરાવ્યો તો, આરોપીએ ફક્ત 5 મિનિટમાં જ પાણીમાંથી 10 લિટર નકલી દૂધ બનાવી આપતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આરોપી મિક્સરમાં પાણી, મિલ્ક પાવડર અને વનસ્પતિ તેલને મિક્સ કરી દૂધ બનાવતો અને આ ડુપ્લીકેટ દૂધ ડેરીમાં ભરતો હતો. હાલ તો પોલીસે દૂધના સેમ્પલ લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.