દુર્ઘટના@ભાવનગર: સ્કૂલે જતી વિદ્યાર્થિનીને ઇકોએ કચડી દેતાં પરિવાર પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો

15 દિવસ પહેલાં જ હાર્ટ-એટેકથી પિતાનું અવસાન થયું હતું, શોક પૂર્ણ થાય એ પહેલાં જ ઘરમાં ફરીથી માતમ છવાયો

 
દુર્ઘટના@ભાવનગર: સ્કૂલે જતી વિદ્યાર્થિનીને ઇકોએ કચડી દેતાં પરિવાર પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે.  ભાવનગરમાં ગોઝારા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. જેમાં ડોક્ટર બનવાના સ્વપ્ન જોઇ રહેલી વિદ્યાર્થિનીનું મોત થયું છે. આ દુ:ખદ ઘટનામાં કરૂણતા એ છે કે આ વિદ્યાર્થિનીના પિતાનું 15 દિવસ અગાઉ જ હાર્ટ-એટેકથી મોત થયું હતું. જે શોકમાંથી પરિવાર હજી બહાર પણ નહોતો આવ્યો ને સ્કૂલે જતી વિદ્યાર્થિનીને ઇકોએ કચડી દેતાં પરિવાર પર દુ:ખનો ડુંગર તૂટી પડ્યો છે.

બનાવ અંગે બોરતળાવ પોલીસે મથકેથી જાણવા મળતી મુજબ શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા રાધેશ્યામ પાર્ક પ્લોટ નંબર.25માં રહેતી અને ડોક્ટર બનવાના સ્વપ્ન જોઇ રહેલી 18 વર્ષીય જીલ સંદિપભાઈ બારૈયા રોજના ક્રમ મુજબ સવારે ઘરેથી એક્ટિવા પર ઓઝ ઇન્સ્ટિટયૂટમાં જવા નીકળી હતી. એ દરમિયાન શિક્ષક સોસાયટીના નાકા પાસે આવેલા ભવનાથ મહાદેવનાં મંદિર પાસે ઈકો કાર (નંબર -જી-જે-14-બીડી-3979)ના ચાલકે એક્ટિવા સવાર વિદ્યાર્થિની જીલને અડફેટે લેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. આથી તત્કાલ સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ અંગે મૃતકના મામા સંદિપ કાંન્તિભાઈ મકવાણાએ કાર ચાલક વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ દુ:ખદ ઘટનાની કરૂણતા એ છે કે જીલના પિતા સંદીપભાઇ બારૈયાનું તા.25ના રોજ હાર્ટ-એટેકથી મૃત્યુ થયું હતું. જેના કારણે જીલ થોડા દિવસથી સ્કુલે જતી ન હતી. બારમાની વીધિ પુરી થયા બાદ જીલ આજે સવારે અભ્યાસ માટે ઘરેથી તેની એક્ટિવા લઇને નીકળી હતી. આ દરમિયાન શિક્ષક સોસાયટીના નાકા પાસે પહોંચી હતી તે સમયે અચાનક જ પુર ઝડપે ધસી આવેલા ઇકો કારના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને જીલને ગંભીર પ્રકારની ઇંજા પહોંચી હતી. અકસ્માત સર્જી કારનો ચાલક ફરાર થઇ ગયો હતો.

અકસ્માતના પગલે લોકો ભેગા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, સારવાર માટે લવાયેલી વિદ્યાર્થિનીને તપાસી તબિબોએ મૃત જાહેર કરતા પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ ગઇ હતી. પરિવારના સભ્યોના જણાવ્યા પ્રમાણે જીલ ભણવામાં ખુબ જ હોશીયાર હતી અને તે ઓઝ ઇન્સ્ટિટયૂટમાં રી-નીટની તૈયારી કરતી હતી.

અકસ્માતમાં મૃત્યુ પામેલ જીલના પિતાને હાર્ટની તકલીફ હતી અને 15 દિવસ પહેલા જ તેમનું હાર્ટ ટ્રાન્સપ્લાન અમદાવાદ ખાતેની યુ.એમ.મહેતા હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. જીલના કાકા અમીશભાઇએ જણાવ્યું હતું કે, તેમના ભાઇનું ઓપરેશન સક્સેસ રહ્યું હતું, પરંતુ પાછળથી તેમની તબિયત લથડી હતી અને તા.25ના રોજ તેમનું મૃત્યું થયું હતું. જીલના પિતાનું મૃત્યુ થયાના થોડા દિવસમાં જ દીકરી જીલનું પણ મૃત્યું થતાં પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઇ હતી.