વિવાદ@નવસારી: PIનો સાંસદ રૂપાલા સાથેનાં ફોટોનાં કારણે વિવાદ સર્જાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
PI ઈન્સ્પેક્ટર દીપક કોરાટનો સાંસદ રૂપાલા સાથેનાં ફોટોનાં કારણે વિવાદ સર્જાયો છે. તેમણે સાંસદ પુરુષોત્તમ રૂપાલા સાથે પડાવેલા એક ફોટોએ જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો છે. 2 દિવસ પહેલાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા નવસારીમાં સામાજિક કાર્યક્રમ માટે આવ્યા હતા. આ દરમિયાન સ્થાનિક ભાજપના કાર્યકરો તેમની શુભેચ્છા મુલાકાત લેવા આવ્યા હતા.
તે જ વેળા PI દીપક કોરાટ પણ સાંસદ પુરષોતમ રૂપાલાને મળવા પહોંચ્યા હતા, મુલાકાત પૂર્ણ થયા બાદ યાદગીરી માટે બધાએ રૂપાલા સાથે ફોટો પડાવ્યો હતો, જેમાં PI દીપક કોરાટ પણ ભેગા થઈને સાથે ફોટો પડાવ્યો હતો. બસ આ ફોટો વિવાદનું કેન્દ્ર બન્યો અને વાંસદાના ધારાસભ્ય એ તેમને ફેસબુક પર ટ્રોલ કરવાનું શરૂ કર્યું હતું. સામાજિક રીતે દીપક કોરાટ અને પુરુષોત્તમ રૂપાલા વચ્ચે પારિવારિક સંબંધોનું જાણવા મળ્યું છે જેમાં તેઓ માત્ર સૌજન્ય મુલાકાત લેવા માટે ગયા હતા, પણ તેમને ટ્રોલ થવાનો વારો આવ્યો છે.
આ ફોટોને લઈને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે સોશિયલ મીડિયા પર કટાક્ષ કર્યો છે. તેમણે ફેસબુક પર એક પોસ્ટ મૂકીને PIને ભાજપમાં જોડાવા બદલ વ્યંગાત્મક અભિનંદન આપ્યા છે. આ પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે PI દીપક કોરાટ અગાઉ પણ વિવાદમાં રહ્યા છે. તેમણે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને આંદોલન કરતા રોક્યા હતા, જે મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો હતો. હાલમાં આ નવા ફોટો વિવાદે જિલ્લામાં ભારે ચર્ચા જગાવી છે.