ગંભીર@ભરૂચ: વેપારીએ ચામડીને નુકસાન કરતી કીટ પધરાવી મ.કમિશ્નરને છેતર્યા

જે થયું તે વાંચીને ચોંકી જશો.
 
ગંભીર@ભરૂચ: વેપારીએ ચામડીને નુકસાન કરતી કીટ પધરાવી મ.કમિશ્નરને છેતર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી 


ભરૂચ જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળની એક ગ્રાન્ટ આદીજાતી વિકાસના મદદનીશ કમિશ્નરને અપાઇ હતી. કરોડોની રકમની ગ્રાન્ટથી મદદનીશ કમિશ્નરે બ્યુટીપાર્લર સહિતની કીટ ખરીદવા વેપારીને વર્ક ઓર્ડર આપ્યો હતો. જોકે નાણાંની લાલચમાં અને સરકારી કચેરીને હલકી ગુણવત્તાનો સામાન આપવાની કુટેવ ધરાવતાં એજન્સીના આકાએ સૌથી મોટી ચોંકાવનારી હરકત કરી હતી. બ્યુટી પાર્લરનો સામાન એકદમ હલકી ગુણવત્તાનો અને માનવજાત, ચામડીને નુકસાન કરતો પધરાવી દીધો હતો. જેની જાણકારી લઈ મદદનીશ કમિશ્નરે ક્રિષ્ના એન્ટ્રરપ્રાઇઝ નામની એજન્સીને ગંભીર પ્રકારની નોટીસ ફટકારી હતી. આ નોટીસ બાદ ફોજદારી કાર્યવાહીથી બચવા અને નાણાં પરત ના કરવા પડે તે માટે ભરપૂર પ્રયાસો કર્યા અને હજુ આજસુધી ના તો સામાન બદલી આપ્યો કે નથી નાણાં જમા કરાવ્યા. જાણીએ સ્પેશ્યલ રિપોર્ટ.

ભરૂચ જિલ્લા મિનરલ ફંડની નાણાંકીય વર્ષ 2021-22 દરમ્યાનની ગ્રાન્ટ હેઠળ સમિતિએ અનેક વહીવટી મંજૂરીઓ કાઢી હતી. જેમાં એક વહીવટી મંજૂરી ભરૂચ આદીજાતી વિકાસના મદદનીશ કમિશ્નર કચેરી માટે પણ હતી. આથી તત્કાલીન મદદનીશ કમિશ્નરે લાખો કરોડોની રકમની આ વહીવટી મંજૂરી હેઠળ બ્યુટી પાર્લર અને કડિયા કામની કીટ ખરીદવા પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં ક્રિષ્ના એન્ટ્રરપ્રાઇઝ નામની એજન્સીના આકાઓએ આ વેપાર કરવા વર્ક ઓર્ડર મેળવી શરતો વિરૂદ્ધ નિયમો નેવે મૂકી એકદમ હલકી ગુણવત્તાનો અને બોગસ સામાન ભટકાવી દીધો હતો. હજુ તો બ્યુટી પાર્લરનો સામાન ચેક થાય એ પહેલાં મેળાપીપણામાં કીટ વેચાણ સામે ગ્રાન્ટના નાણાં પણ વેપારીએ મેળવી લીધા હતા. જોકે આટલા ઘટનાક્રમ પછી જે થયું તે વાંચીને ચોંકી જશો.


સૂત્રોએ જણાવ્યું હતું કે, નવેમ્બર 2021 દરમ્યાન તત્કાલીન મદદનીશ કમિશ્નરે વેપારીને પત્ર લખી જે કહ્યું તે જ શબ્દો અહીં રજૂ કરીએ છીએ. મદદનીશ કમિશ્નરે પત્રમાં લખ્યું છે કે, તમોએ બ્યુટી પાર્લરની કીટ હલકી, બજાર કિંમતથી ખૂબ ઉંચા ભાવની, ચામડીને નુકસાન કરતી, અનબ્રાન્ડેડ આપી છે. તમો આદીવાસી સમાજના લાભાર્થીઓ પ્રત્યે યોગ્ય માનસિકતા ધરાવતા નથી એટલે તમારા વિરૂદ્ધ અત્યાચારધારા અધિનિયમ હેઠળ કાર્યવાહી કેમ ના કરવી તેનો ખુલાસો કરો અન્યથા ફોજદારી કાર્યવાહી કરવી પડશે. આ કારણદર્શક નોટિસ બાદ એજન્સીના આકાઓએ રૂપિયા પાછાં ના આપવા અને કીટ બદલી ના આપવી પડે તે માટે ધમપછાડા કર્યા હતા. જેથી અનેક નોટિસ અને ખુલાસાઓ છતાં એજન્સીના આકાઓ હજુસુધી બચી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે ગુજરાતની અનેક કચેરીના અધિકારીઓએ ગમે તે એજન્સીના નામે બોગસ માલ ભટકાવવા ફરતાં ઈસમોથી ચેતવું પડે તેવી સ્થિતિ છે.