બનાવ@ગુજરાત: ગુનાના કામે પકડાયેલ વાહનોમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

 ફાયર ફાઈટરને આગની માહિતી અપાઇ હતી.
 
બનાવ@ગુજરાત: ગુનાના કામે પકડાયેલ વાહનોમાં અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં  આગ લાગવાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. વાઘોડિયા પોલીસ મથકે ગુનાના કામે પકડાયેલ વાહનોમાં ભર બપોરે અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અડધા કલાકની ભારે જહમત બાદ આગ પર ફાયર ફાઇટરે કાબૂ મેળવ્યો હતો.વાઘોડિયા પોલીસ મથકને અડીને આવેલ મામલતદારના જૂના જર્જરિત સ્ટાફ ક્વાર્ટર્સના ખુલ્લા પરિસરમાં વાઘોડિયા પોલીસ મથકે ગુનાના કામે પકડાયેલ કેટલાક વાહનો મૂકવામાં આવ્યા છે. જેમાં ગુરુવારે ભર બપોરે અચાનક ધુમાડાના ગોટેગોટા બાદ જોતજોતામાં આગ લાગી હતી.

આગને પગલે વાઘોડિયા પોલીસ મથકના પોલીસ જવાનો હાથે ચડ્યું તે હથિયાર કહેવત અનુસાર ડોલ, માટી તથા ફાયર કેન અને પાણીની ડોલ તથા પાઈપ દ્વારા પ્રથમ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. જો કે કચરો અને સૂકા પાંદડાના કારણે આગ બે કાબૂ બનતાં વાઘોડિયા પોલીસ મથક દ્વારા એપોલો ફાયર ફાઈટરને આગની માહિતી અપાઇ હતી.

ટૂંક સમયમાં જ ફાયર ફાઈટર ઘટના સ્થળે સમયસર પહોંચતાં વધુ વાહનો આગની હોનારતમાં હોમાતાં બચી ગયા હતા. આગની આ ઘટનામાં એક બોલેરો તથા એક કારને મોટું નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે આગની આ ઘટનામાં આસપાસના લોકોએ આવી આગ વધુ પ્રસરે નહીં તેની કાળજી લેતાં મોટું નુકસાન ટળી ગયુ હતું. જોકે આગની આ હોનારતમાં કોઇ જાનહાનિ થઇ ન હતી.