બનાવ@અમદાવાદ: આઈટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને એટીકેટી આવતા ધાબેથી પડતું મૂક્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાના બનાવો સામે આવતા હોય છે. ગણા લોકો કોઈને કોઈ કારણોસર મોતને વહાલું કરતા હોય છે. પોલિટેકનિકમાં આઈટીના ચોથા સેમેસ્ટરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને એટીકેટી આવતા ડિપ્રેશનમાં આવી જવાથી તેણે આત્મહત્યા કરી લીધી હતી. મૃતક યુવક વિજય ચાર રસ્તા પાસે એક ખાનગી કંપનીમાં માર્કેટીંગ મેનેજર તરીકે નોકરી કરતો હતો. તેણે ઓફિસના કોમ્પ્લેક્સના ધાબેથી પડતું મૂકી જીવન ટૂંકાવી લીધું હતું.
ઘોડાસરમાં રહેતો જીત હર્ષભાઈ ક્ષત્રિય પોલિટેકનિકમાં આઈટીમાં ચોથા સેમમાં અભ્યાસ કરતો હતો. આ સાથે તે વિજય ચાર રસ્તા પાસેના ફોનેક્સ કોમ્પ્લેક્સમાં આવેલી એક ખાનગી કંપનીમાં માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી કરતો હતો. ઓફિસે ગયા પછી જીત કોમ્પ્લેક્સના ધાબે ગયો હતો અને ત્યાંથી પડતું મૂકી દીધુ હતું.માથા તેમ જ શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેનું મૃત્યુ થયું હતું. આ અંગે તેના માતા પિતાને જાણ કરાતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
ઘટનાની જાણ થતા ગુજરાત યુનિવર્સિટી પોલીસ આવી પહોંચી હતી. પોલીસે જીતના માતા - પિતાની પૂછપરછ કરતા તેમણે જણાવ્યું હતુ કે, જીતને એટીકેટી આવી ત્યારથી જ તે ડિપ્રેશનમાં રહેતો હતો. તેના કારણે જ તેણે આત્મહત્યા કરી લીધી હતી.