દુર્ઘટના@રાજકોટ: ડમ્પરની અડફેટે ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજકોટમાં જૂના માર્કેટ યાર્ડ પાસે ડમ્પરની અડફેટે ધોરણ 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં અકસ્માતની બે ઘટના સામે આવી છે. જેમાં પ્રથમ ઘટનામાં 27 ડિસેમ્બરની સાંજે આજી ડેમ ચોકડી પાસે શ્રીરામ પાર્ક 3માં રહેતી અનુપ્રિયા પૂર્વેન્દ્રકુમાર સિંગ અને તેની નાની બહેન માર્કેટ યાર્ડ નજીક મઝહર સ્કૂલેથી છૂટીને એક્ટિવા પર ઘરે પરત ફરી રહી હતી.
માર્કેટ યાર્ડ નજીક પહોંચતા ડમ્પરના ચાલકે એક્ટિવાને ટક્કર મારતા બંને બહેન ફંગોળાઈને નીચે પટકાઈ હતી. જેમાં મોટી બહેન અનુપ્રિયાના કમરના ભાગે ડમ્પરનું ટાયર ફરી વળતા ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે નાની બહેન શક્તિસુપ્રિયાને સામાન્ય ઇજા પહોંચતા બચાવ થયો હતો. અકસ્માત સર્જી ડમ્પરચાલક ભાગે તે પહેલાં લોકોએ તેને પકડી આજી ડેમ પોલીસને સોંપી દીધો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અનુપ્રિયા બે બહેન અને એક ભાઈમાં મોટી હતી. તે ધોરણ 12માં મઝહર સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા પૂર્વેન્દ્રકુમાર યમનપ્રસાદ સિંગ મૂળ બિહારના વતની છે. તેઓ છેલ્લાં 20 વર્ષથી રાજકોટમાં રહે છે અને કારખાનામાં કામ કરે છે.
તેણીની માતાનું નામ નૂતનબેન છે. લાડકવાયી દીકરીના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવ અંગે જાણ થતાં આજી ડેમ પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ડમ્પરચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.