બનાવ@અમદાવાદ: સ્કૂલમાં ACમાં બ્લાસ્ટ થતાં ભયાનક આગ લાગી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે

પ્રાથમિક દૃષ્ટિએ સ્કૂલની બેદરકારી
 
બનાવ@અમદાવાદ: સ્કૂલમાં ACમાં બ્લાસ્ટ થતાં ભયાનક આગ લાગી, જાણો સમગ્ર ઘટના એકજ ક્લિકે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં આગ લાગવાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે.  અમદાવાદના શેલા વિસ્તારમાં આવેલી શાંતિ એશિયાટિક સ્કૂલ હાલ ચર્ચામાં છે. વાલીઓનો આરોપ છે કે, ગઈકાલ (11 જુલાઈ)એ સ્કૂલના એક ક્લાસમાં એસીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. જેને લઈ આજે વાલીઓ સ્કૂલની બહાર એકઠા થયા છે. ગઈકાલે શાળાના એસીમાં બ્લાસ્ટ બાબતે કોઈ જાણકારી ન આપવામાં આવતા વાલીઓ રોષે ભરાયા છે. એસીમાં બ્લાસ્ટના કારણે લાગેલી આગથી બાળકો ગભરાઈ ગયા હોવાના આક્ષેપો વાલીઓ કરી રહ્યા છે. આગના કારણે અફરાતફરી મચી ગઈ હતી. વાલીઓનું કહેવું છે કે, સ્કૂલના સંચાલકો આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. સ્કૂલ ખોટું બોલી રહી છે. આ ઘટનાને પગલે હવે ઓનલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગે સ્કૂલના ડાયરેક્ટર અભય ઘોષે જણાવ્યું કે, બાળકો અફરાતફરી ના મચાવે એટલે આગની ઘટના છુપાવી હતી.

શાળામાં આગની ઘટના બનતા વિદ્યાર્થીઓ ગભરાઈ ગયા હોવાનું વાલીઓએ પણ જણાવ્યું હતું. આ બાબતે ઉશ્કેરાયેલા વાલીઓ એ આજે સવારથી જ શાળામાં હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને પગલે ડીવાયએસપી સહિત પોલીસ કાફલો શાળાએ પહોંચીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઘટના બાબતે DySP ધર્મેન્દ્રસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, આ આગની ઘટનાને શાળાએ છુપાવી હતી તેથી જે પણ નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. DEO દ્વારા પણ ઘટનાને ગંભીરતા થી લેવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું.


ઉલ્લેખનીય છે કે, શાળાની જે બિલ્ડીંગમાં આગની ઘટના બની હતી ત્યાં ઈમર્જન્સી એક્ઝિટ પણ નથી અવરજવર માટે ફક્ત એક જ સીડી છે. જો આગ મોટી હોત તો બાળકોનો જીવ જોખમમાં મુકાયો હોત. તદુપરાંત શિક્ષણ ઓનલાઈન કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્ત્વનું છે કે આગામી દિવસમાં શાળામાં પરીક્ષા લેવાની હતી ત્યારે હાલ પૂરતી પરીક્ષા મોકૂફ રાખીને બાદમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. DEOએ જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ સ્કૂલની બેદરકારી છે. તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવશે. વાલીઓની ફરિયાદ ધ્યાનમાં લીધી છે.