બનાવ@અમદાવાદ: ફ્લેટના 3 માળે અચાનક ભયાનક આગ ભભૂકી, ફાયરની ટીમે ગેલેરીમાંથી ઘૂસી કાબૂ મેળવ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર આગ લાગવાના બનાવો સામે આવતા હોય છે. અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં આવેલા પાલમ ગ્રીન ફ્લેટના 3 માળે બંધ મકાનમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા બે ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવી લીધો હતો.
મકાન માલિક મંદિરમાં દીવો કરી અને બહાર ગયા હતા તે દરમિયાનમાં દીવો પડતા મંદિરમાં આગ લાગી અને એસી સુધી આગ પહોંચી ગઈ હતી. ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.
મળતી માહિતી મુજબ શહેરના મકરબા વિસ્તારમાં પાલમ ગ્રીન ફ્લેટમાં રહેતા મકાન માલિક પોતાના ઘરમાં મંદિરમાં દીવો કરી અને બહાર પ્રસંગમાં ગયા હતા. દરમિયાનમાં અચાનક જ દીવાના કારણે મંદિરમાં આગ લાગી ગઈ હતી, જેમાં મંદિરનો ભાગ બળીને ખાક થયો હતો. આગની જાળ એસી સુધી પહોંચી ગઈ હતી.
ત્યારબાદ સ્થાનિક લોકોને જાણ થતા તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમને જાણ કરી હતી. પ્રહલાદનગર ફાયર સ્ટેશનની બે ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ હતી. ફાયર બ્રિગેડના કર્મચારીઓ ગેલેરીમાંથી મકાનમાં ગયા હતા અને આગને કાબુમાં લીધી હતી.