ગુનો@ગુજરાત: પોલીસના નામે લોકો પાસેથી ઈ-મેમોના પૈસા પડાવતો ઠાગીયો ઝડપ્યો

વાહનચાલકો દંડની રકમ ઓનલાઈન ભરી શકે 
 
ગુનો@ગુજરાત: પોલીસના નામે લોકો પાસેથી ઈ-મેમોના પૈસા પડાવતો ઠાગીયો ઝડપ્યો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અમદાવાદ ટ્રાફિક પોલીસે વાહનચાલકો દંડની રકમ ઓનલાઈન ભરી શકે તે માટેની ખાસ સુવિધા ઉપલબ્ધ કરી છે. ઈ ચલણનો દંડ અમદાવાદ પોલીસના એકાઉન્ટમાં ઓનલાઈન જમા કરી શકાય તેના માટે પોલીસે જે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે તેને જ ટાર્ગેટ બનાવીને ઝારખંડના જામતારા નજીકનો એક યુવક લોકોને ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી બોલતો હોવાનું કહી દંડની રકમ તાકીદે ભરી દેવામાં નહીં આવે તો તકલીફ થશે તેવી ધમકી આપી પોતાના બેંક ખાતાના QR કોડ મારફતે દંડની રકમ ઉઘરાવી લેતો હતો.

આ બાબત પોલીસના ધ્યાનમાં આવતા સાયબર ક્રાઈમ બ્રાન્ચ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે જે નંબર પરથી કોલ કરીને પૈસા પડાવવામાં આવતા હતા તેના આધારે તપાસ કરી હતી. અંતે ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર નિકુંજ સોલંકીની ટીમે સુધાંશુ મિશ્રા નામના 25 વર્ષના 12 પાસ યુવકને ઝડપી લીધો છે. તેણે અત્યાર સુધી સંખ્યાબંધ લોકોને કોલ કરીને ટ્રાફિક પોલીસના નામે પૈસા પડાવ્યા હતા.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા ઈ ચલણના દંડ ઓનલાઇન જમા કરાવવા માટે એસએમએસ આવે છે ત્યારે પણ લોકો તેને શંકાની નજરે જોઈ રહ્યા છે. કેમ કે ચોક્કસ ટુકડી દ્વારા ટ્રાફિક પોલીસના નામે લોકોને ડરાવીને ખોટી રીતે પૈસા પડાવવામાં આવતા હોવાની સંખ્યાબંધ ફરિયાદો નોંધાઈ હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમની તપાસમાં બહાર આવ્યું હતું કે ઝારખંડના જામતારા નજીક આવેલા મધુપુરનો સુધાંશુ ઉર્ફે ચીકુ બદ્રીનારાયણ મિશ્રા નામનો યુવક આ કાંડ કરી રહ્યો છે. પોલીસે તેને ઝડપી લીધો હતો. પૂછપરછમાં તેણે કબૂલાત કરી હતી કે કોરોના બાદ તે કામધંધાની શોધમાં કોલકાતા ગયો હતો ત્યાં તેને રાજેશ મળી ગયો હતો જેણે ચીકુને કહ્યું હતું કે ગુજરાત પોલીસમાં ઓનલાઇન ઈ ચલણ ભરવાની વ્યવસ્થા છે જેમાં આપણે જે વાહન ચાલકોનો ટ્રાફિક નિયમન ઉલ્લંઘનનો દંડ બાકી હોય તેને શોધી કાઢી તેના મોબાઈલ નંબર પર કોલ કરીને ધમકાવીએ તો તેઓ પૈસા જમા કરી દેતા હોય છે અને તેના માટે આપણે તેમને આપણા QR કોડ અથવા એકાઉન્ટ નંબરની લીંક મોકલવાની. આ પ્રયોગ તેમણે શરૂ કર્યો અને સંખ્યાબંધ લોકોને ટાર્ગેટ કરી પૈસા પડાવી લીધા હતા. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચીકુની પૂછપરછ કરવાની સાથે સાથે તેની સાથે સંકળાયેલા કોલકાતાના રાજેશ ઉપરાંત પલટનદાસ અને ચીકુના મિત્ર સપ્તમ કુમારની તલાશ શરૂ કરી છે.

સીમકાર્ડ અને બેન્ક ખાતા માટે પલટનદાસે વ્યવસ્થા કરી, 20 ટકા કમિશન મેળવતો

ચીકુ અને તેના મિત્ર સપ્તમકુમાર નંદને લોકોને ઠગવાનું કારસ્તાન ધનબાદમાં જઈને શરૂ કર્યું હતું. ત્યાં તેમને તમામ પ્રકારની સુવિધા પૂરી પાડવાની કામગીરી પલટનદાસ નામના એક વ્યક્તિએ ઉપાડી હતી. તે આ લોકોને કોલ કરવા માટે એક ઓફિસની વ્યવસ્થા કરી આપવા ઉપરાંત સીમકાર્ડ અને પોતાના એકાઉન્ટનો પણ ઉપયોગ કરવા દેતો હતો. તેના એકાઉન્ટમાં જે પૈસા જમા થતા હતા જેના ૨૦ ટકા કાપી લઈને બાકીની રકમ પલટનદાસ ચીકુ અને તેના મિત્રને આપી દેતો હતો. પોલીસે પલટનદાસની તલાશ આદરી છે.

લોકડાઉન બાદ કોલકાતામાં ચીકુને રાજેશ મળી ગયો, તેણે આ કાંડ શીખવ્યો

લોકડાઉન બાદ ચીકુ કામધંધાની શોધમાં કોલકાતા પહોંચી ગયો હતો. જ્યાં શાહપુરજી વિસ્તારમાં સ્ટોકમાર્કેટનું કામ કરતો હોવાની વાતચીત કરી લોકોને ઇન્વેસ્ટ કરવા મનાવી રહ્યો હતો ત્યારે જ તેને રાજેશ નામનો વ્યક્તિ મળી ગયો હતો. તેણે ચીકુને કહ્યું હતું કે સ્ટોકમાર્કેટમાં ઇન્વેસ્ટ કરાવીને તને જે કમિશન મળશે તેના કરતાં વધારે કમિશન હું તને એક ટ્રીક શીખવાડું તેમાં મળશે અને તેણે ચીકુને ઈ ચલણના રૂપિયા ઉઘરાવવાની ટ્રીક શીખવાડી અને પોતાની ગાડીમાં બેસાડીને જ ડેમો બતાવ્યો જેમાં તરત જ પૈસા મળવા લાગ્યા એટલે ચીકુ તેની સાથે જોડાઈ ગયો અને 15 દિવસમાં બધું કામ શીખી લીધું.

ઠગ ચીકુએ અત્યાર સુધી રૂ. નવ લાખ ઉઘરાવ્યા હોવાની કબૂલાત કરી

ઠગ ચીકુએ જુદા જુદા લોકોને ફોન કરી તેમની પાસેથી ઈ ચલણ પેટે 9 લાખ રૂપિયા ઉઘરાવ્યા હોવાની કબૂલાત કરી છે. હજુ તપાસ દરમિયાન તેણે કેટલા લોકોને કોલ કર્યો હતો અને કેટલા લોકો પાસેથી પૈસા પડાવ્યા હતા જે અંગેની વિગતો સામે આવશે.

ચિટિંગ કેવી રીતે થતું હતું તેની MO

આરોપીઓને ઝડપી લેનાર ઇન્સ્પેક્ટર નિકુંજ સોલંકીએ જણાવ્યું હતું કે આ ટુકડી અમદાવાદ ટ્રાફિક પોલીસના ચલણ પેમેન્ટ સિસ્ટમ નામનું પોર્ટલ ખોલી તેમાં રેન્ડમ કોઈપણ નંબર નાખતા હતા જેમાં જે નંબરનું ઈ ચલણ ભરવાનું બાકી હોય તેની વિગત તેમને મળી જતી હતી. હવે જે વાહનનું ઈ ચલણ ભરવાનું બાકી હોય તેનો નંબર તેઓ રોયલ સુંદરમ્ રિન્યૂઅલ નામની પ્રાઇવેટ વેબસાઈટ પર નાખીને સર્ચ કરતા જે-તે વાહનનો ચેસીસ નંબર અને અન્ય વિગતો મળી જતી હતી. વાહનનો રજિસ્ટ્રેશન નંબર અને ચેસીસ નંબર તેઓ સરકારના એમ પરિવહન એપ્લિકેશન પર નાખીને સર્ચ કરતા વાહનના માલિકનું નામ સરનામું અને મોબાઈલ નંબર પણ તેમને મળી જતો હતો. હવે તેઓ જે તે વાહન ધારકને ઈ ચલણ ભરવાના મુદ્દે કોલ કરી જો તાત્કાલિક ચલણ ભરવામાં નહીં આવે તો કોર્ટમાં જવું પડશે અને વાહન જપ્ત થઈ જશેે તેવી ધમકી આપી તેની પાસેથી પોતાના QR કોડ ઉપર ઓનલાઇન પૈસા જમા કરાવતા હતા.

સંખ્યાબંધ લોકો આ ટુકડીનો ભોગ બન્યા હતા, તેના મૂળ સુધી જવામાં આવશે

QR કોડથી ઈ ચલણ ભરવાની અને ઓનલાઇન ચલણ ભરવાની અમદાવાદ ટ્રાફિક પોલીસની સુવિધાનો ગેરલાભ ઊઠાવ્યો હતો અને સંખ્યાબંધ લોકોને શિકાર બનાવ્યા હતા જેની તપાસમાં મૂળ સુધી પહોંચવામાં આવશે અને આવા તત્ત્વો સામે કડક પગલાં લેવામાં આવશે સાથે સાથે સંપૂર્ણ સિસ્ટમમાં જે ક્ષતિઓ નજરે પડી છે તે અંગે સુધારવા માટે પણ રજૂઆત કરવામાં આવશે.