બનાવ@સુરત: ઘરઆંગણે રમી રહેલા 2 વર્ષના બાળકને સાપે ડંખ મારતા કરૂણ મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સુરત શહેરમાથી એક દૂ:ખદ ઘટના સામે આવી છે. સુરત શહેરના ઈચ્છાપોર વિસ્તારમાં આવેલા ભાટપોર ગામમાં ઘરઆંગણે રમી રહેલા 2 વર્ષના બાળકને કોબ્રા સાપે ડંખ મારતા બાળકનું મોત નીપજ્યું છે. એકના એક પુત્રનું મોત શ્રમજીવી પરિવાર પર આભ ફાટ્યું હતું. બાળકના મોત બાદ સાપનું રેસ્ક્યૂ કરાયું હતું.
મૂળ છોટાઉદેપુરના વતની દિનેશભાઈ નાદલા રાઠવા હાલ ભાટપોર ગામના પોસ્ટ ઓફિસ ફળિયામાં પરિવાર સાથે રહી કડિયાકામ કરી ગુજરાન ચલાવે છે. શુક્રવારે સાંજે આશરે 7 વાગ્યાના સુમારે દિનેશભાઈ અને તેમની પત્ની મજૂરીકામ પતાવી ઘરે પરત ફર્યા હતા. માતા-પિતા ઘરમાં રાતનું ભોજન બનાવવાની તૈયારી કરી રહ્યા હતા, જ્યારે તેમનો 2 વર્ષનો પુત્ર શુભદર્શન ઘરની બહાર અન્ય પાંચેક મિત્રો સાથે રમી રહ્યો હતો.
બાળકો જ્યારે રમી રહ્યા હતા ત્યારે બાજુની દીવાલમાં છુપાઈને બેસેલો આશરે 6 ફૂટ લાંબો ઝેરી કોબ્રા સાપ અચાનક બહાર આવ્યો હતો અને શુભદર્શનના જમણા પગે કરડી ગયો હતો. સાપ કરડતા જ બાળકે જોરશોરથી બૂમાબૂમ કરતા લોહી નીકળવા લાગ્યું હતું. બાળકની ચીસો સાંભળી પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા.
પરિવારજનો શુભદર્શનને તાત્કાલિક સ્થાનિક દવાખાને લઈ ગયા હતા, પરંતુ તેની હાલત વધુ લથડતા તેને વધુ સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. કમનસીબે, ઝેરની અસર વધુ હોવાથી ફરજ પરના તબીબોએ માસૂમને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ થતા જ ગામના લોકોએ એકઠા થઈ તે 6 ફૂટ લાંબા કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યું હતું.

