બનાવ@સુરત: ACના કમ્પ્રેસરમાં ગેસ ભરતા સમયે અચાનક બ્લાસ્ટ, એક કામદાર સંપૂર્ણ દાઝ્યો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં AC બ્લાસ્ટની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ફરી એકવાર સુરતમાંથી AC બ્લાસ્ટની ભયાનક દુર્ઘટના સામે આવી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ACના કમ્પ્રેસરમાં બ્લાસ્ટની ઘટના બની હતી. જેમાં AC રીપેરીંગ વખતે કમ્પ્રેસરમાં ગેસ ભરતા સમયે બ્લાસ્ટ થતાં એક કામદાર સંપૂર્ણ દાઝી ગયા હતા. જ્યારે બીજાને સામાન્ય ઇજા થઇ હતી. આગની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા શખસોને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં એકની હાલત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા કોમલ સર્કલ પાસે દર્શન સોસાયટીમાં ડિજિટલ પ્રિન્ટિંગ ખાતું ચાલી રહ્યું છે. બમરોલી રોડ પર આવેલા આ ડિજિટલ પ્રિન્ટિંગ ખાતામાં AC ખરાબ થઈ ગયું હતું. જેમાં AC રીપેરીંગવાળા લોકોને બોલાવવામાં આવ્યા હતા. આ દરમિયાન ACના કમ્પ્રેસરમાં ગેસ ભરતા સમયે બ્લાસ્ટ થયો હતો. જેથી, AC રીપેરીંગ કરતા કારીગર દાઝી ગયા હતા. બ્લાસ્ટને પગલે આગ લાગી જતા એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી છે, તે સંપૂર્ણ સળગી ગયો છે. ગંભીર હાલતમાં યુવકને લઈને 108ના એમટી સાહિલ બારોટ અને પાયલોટ સૌરભ પટેલ માત્ર 5-8 મિનિટમાં સુરત સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. હાલ તેને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
આ અંગે ફાયર વિભાગના સબ ફાયર ઓફિસર મારુતિ સોનવણેએ જણાવ્યું હતું કે, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ બમરોલી રોડ પાસે ડિજિટલ પ્રિન્ટિંગ પ્રેસમાં ACમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગની ઘટના બની હતી અને ફાયર વિભાગને કોલ મળ્યો હતો. ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જોકે, આ પહેલા જ ACમાં ગેસ રિફિલિંગ કરતા એક વ્યક્તિને વધારે ઇજાઓ પહોંચી હતી, તે ખૂબ જ ગંભીર રીતે દાઝી ગયો હતો. જેથી, તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે અને અન્ય એક શખસને સામાન્ય ઇજાઓ પહોંચી છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 32 વર્ષીય વિપિન ચૌધરી AC રીપેરીંગનું કામ કરે છે અને આ ડિજિટલ પ્રિન્ટિંગ ખાતામાં AC બગડ્યું હોવાથી તે અને તેના સાથીદાર અહીં આવ્યા હતા અને કામ કરતાં સમયે ગેસ ભરી રહ્યા હતા, ત્યારે અચાનક બ્લાસ્ટ થયો હતો ઉત્તર પ્રદેશના છે તેમના પરિવારમાં પત્ની માતા-પિતા છે જ્યારે અન્ય ઇજાગ્રસ્ત થયો છે તેનું નામ નોસદ છે. જે દીવાલની બીજી સાઈડ હતો જેથી તેને સામાન્ય ઇજાઓ થઈ છે. હાલ સમગ્ર મામલે ફાયર વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે.