બનાવ@ગાંધીનગર: ઝૂંડાલ બ્રિજ પાસેની અડાલજ નર્મદા કેનાલમાં યુવક અને યુવતીએ ઝંપલાવ્યું
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગાંધીનગરની નર્મદા કેનાલમાં યુવક-યુવતીની લાશ મળી આવી છે..ગાંધીનગરના ઝૂંડાલ બ્રિજ પાસેની અડાલજ નર્મદા કેનાલમાં આજે અમદાવાદના યુવક અને યુવતીએ કોઈ રહસ્યમય કારણોસર ઝંપલાવ્યું હતું.ઘટનાની જાણ થતાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી બંનેની શોધખોળ આદરી હતી. જે પૈકી યુવતીની લાશ ભારે જહેમત પછી બહાર કાઢવામાં આવી છે. જ્યારે યુવકનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. આ અંગે અડાલજ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે અડાલજ પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે, આજે ઝૂંડાલ બ્રિજ પાસેની અડાલજ નર્મદા કેનાલની બહાર બિનવારસી હાલતમાં બાઇક તેમજ એક લેડીઝ ચપ્પલ તથા જેન્સટનાં બૂટ પડ્યા હોવાની જાણ થઈ હતી.
જેનાં પગલે ગાંધીનગર ફાયર બ્રિગેડની મદદથી બંનેની કેનાલમાં શોધખોળ કરાવી હતી. જે પૈકી યુવતીની લાશ મળી આવી હતી. જ્યારે યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ અંગે અડાલજ પોલીસ મથકના જમાદાર વિશાલ ચૌધરીએ કહ્યું હતું કે, કેનાલની બહારથી યુવતીનું આધાર કાર્ડ મળી આવ્યું હતું. જેનાં આધારે યુવતીનું નામ મિંકલ સોલંકી (રહે. સાબરમતી) હોવાનું જાણવા મળ્યું હતું.
બનાવના પગલે યુવતીની માતા સહીતના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં અગાવ સાબરમતી મોટેરાની એક સ્કૂલમાં આ બન્ને યુવક-યુવતી સાથે ભણતા હતા. આજે બપોરના સમયે યુવતી ઘરે કોઈને કહ્યા વિના યુવક સાથે નીકળી ગઈ હતી. જેઓ બાઈક લઈને ગાંધીનગર તરફ આવ્યા હતા અને અડાલજ કેનાલમાં પડતું મુક્યું હતું. બન્નેના આપઘાત પાછળનું કારણ પ્રેમ પ્રકરણ હોવાનું મનાઈ રહ્યું છે. જો કે, યુવકનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી. બંનેનાં પરિવારજનોની પૂછતાંછ પછી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા મળશે.