બનાવ@સુરત: પોલીસ સ્ટેશનના 4 માળેથી કૂદીને યુવકે આપઘાત કર્યો, કેમ આવું પગલું ભર્યું ?
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં આત્મહત્યાના ગુનાઓ ખુબજ વધી ગયા છે. ફરી એકવાર આત્મહત્યાનો બનાવ સામે આવ્યો છે. સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી કૂદીને યુવકે આપઘાત કર્યો છે. 4 માળના લિંબાયત પોલીસ સ્ટેશનના ટેરેસ પરથી યુવકે મોતની છલાંગ લગાવી હતી. સ્ટેશનના કમ્પાઉન્ડમાં પટકાતાં ઘટનાસ્થળે જ યુવકનું મોત નીપજ્યું છે. પોલીસની હાજરીમાં યુવક ટેરેસ પર કેવી રીતે પહોંચો એને લઈને પણ સવાલો ઊભા થયા છે. ફરિયાદ કરવા આવેલો યુવક ટેરેસ પરથી કૂદીને આપઘાત કરતાં અનેક સવાલો ઊભા થયા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આપઘાત કરનાર યુવકની ઉંમર 35થી 40 વર્ષ જેટલી લાગી રહી છે. આજે પોલીસ સ્ટેશન પર કોઈ રજૂઆત કરવા અથવા ફરિયાદ કરવા આવ્યો હતો. ત્યાર બાદ અચાનક જ ટેરેસ પર પહોંચી ગયો હતો અને ત્યાંથી કૂદી ગયો હતો. ઘટના અંગેની જાણ થતાં પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને યુવકની તપાસ કરતાં તેનું મોત થઈ ચૂક્યું હતું.
યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ સાથે જ લિંબાયત પોલીસ દ્વારા યુવકની ઓળખ સહિત તેના પરિવાર સુધી પહોંચવાની દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી છે. પરિવાર સહિતની વિગત આવ્યા બાદ વધુ માહિતી સામે આવશે.
પોલીસ સ્ટેશનમાં યુવકના આપઘાતના પગલે લિંબાયત પોલીસની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે. પોલીસની હાજરીમાં આ યુવક ટેરેસ પર કઈ રીતે પહોંચી ગયો એ એક મોટો સવાલ છે. હાલ તો એસીપી ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ સ્ટેશને દોડી ગયા છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

