બનાવ@કડી: બસ સ્ટેન્ડની છત તૂટી પડતા યુવકનું કરુણ મોત નીપજ્યું, જાણો સમગ્ર ઘટના અકેજ ક્લિકે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર કેટલાક બનાવો સામે આવતા હોય છે. કડી તાલુકાના દેવુસણા ગામે ગતરાત્રિએ બસ સ્ટેન્ડની છત તૂટી પડતા યુવકનું કરુણ મોત નિપજ્યું છે. જેને લઈ સાસરીમાં તેમજ યુવકના પરિવારજનોમાં શોક પ્રસરી ગયો હતો. વાવોલ ગામના યુવકનું સાસરુ દેવુસણા ગામે હોવાથી પોતાની સાસરીમાં આવ્યો હતો અને રાત્રી દરમિયાન તેનું મોત થયું હતું.
ગાંધીનગરના વાવોલ ગામના બાદલ દંતાણી જેઓ છૂટક કામ કરી પરિવારમાં રહેતા હતા. જ્યાં તેઓ ગઈકાલે પોતાની સાસરી કડી તાલુકાના દેઉસાણા ગામે તેમની પત્નીને તેડવા માટે આવ્યા હતા. મોડી રાત્રે તેઓ તેમની સાસરીમાંથી દેવુસણા ગામે આવેલ બસ સ્ટેન્ડમાં બેસવા માટે આવ્યા હતા. જ્યાં અચાનક જ ધડાકાભેર બસ સ્ટેન્ડની છત તૂટી પડી હતી અને જમાઈની માથે પડી હતી.
કડી તાલુકાના દેવસણા સાસરીમાં પત્નીને તેડવા માટે આવેલા જમાઈનું કરુણ મોત થયું હતું. કડી પંથકની અંદર છેલ્લા 24 કલાકમાં બે ઇંચથી પણ વધુ વરસાદ વરસ્યો છે. ગત રાત્રે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે બાદલભાઈ દંતાણી બસ સ્ટેન્ડની અંદર બેઠા હતા. જર્જરિત બસ સ્ટેન્ડની છત યુવક ઉપર પડતા તેઓ કાટમાળ નીચે દટાઈ ગયા હતા. જ્યારે સવારે બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ પાન પાર્લરની દુકાન ચલાવતા માલિક આવીને જોયું તો યુવક દટાયેલી હાલતમાં જોવા મળ્યો હતો. જ્યાં ગ્રામજનોને જાણ કરવામાં આવતા તલાટી, સરપંચ અને પોલીસ સહીતનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. યુવકનું કરુણ મોત થતા પરિવારમાં શોક પસરી ગયો હતો.
આ ઘટના અંગે દેવુસણા ગામના સામાજીક અગ્રણી રામભાઈ પરમારે જણાવ્યું હતું કે, દેવુસણા ગામનું બસ સ્ટેન્ડ છેલ્લાં કેટલાય સમયથી જર્જરિત અવસ્થામાં હતું. જોકે ગ્રામજનો તેનું બેસવા માટે ઉપયોગ કરતા હતા. ગઈકાલે અમારા ગામના દંતાણી સમુદાયના જમાઈ દેવુસણામાં મહેમાનગતીથી આવેલા હતા. કર્મસંજોગોએ તેઓ ત્યાં બેઠા હતા અને ભારે વરસાદના કારણે જર્જરિત બસ સ્ટેન્ડનું આખેઆખું સ્લેબ તુટી પડ્યું હતું અને તેની નીચે તેઓ દબાઈ ગયા હતા.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, બસ સ્ટેન્ડ બન્યું તેને 30 વર્ષ જેટલું સમય થઈ ગયું હતું. પહેલાં બસની અવરજવર ચાલું હતી, છેલ્લાં 6થી7 વર્ષથી કોઈ બસનો વ્યવહાર ચાલુ નથી. બસ સ્ટેન્ડની બાજુમાં દુકાનો આવેલી હોવાથી એટલે અહીં લોકો બેસવા માટે ઉપયોગ કરતા હતા. લગભગ આખી રાત વરસાદ ચાલુ હતો અને સવારે સ્લેબ તુટેલો જોઈ તેમાં માથાનો ભાગ દેખાતા લાગ્યું કે કોઈ તેની નીચે દબાઈ ગયું છે. ધીરે ધીરે ગામલોકો એકઠા થયા અને પછી ખબર પડી કે આ ભાઈ આપણા ગામના મહેમાન છે, જેઓ મરણ પામ્યા છે.