બનાવ@ગુજરાત: યુવાને પત્નીના આડા સંબંધોથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટૂકાવ્યું

સુસાઈડ નોટ જોતાં મોટો ઘટસ્ફોટ થયો
 
બનાવ@ગુજરાત: યુવાને પત્નીના આડા સંબંધોથી કંટાળી ફાંસો ખાઈ જીવન ટૂકાવ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં આત્મહત્યાના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી આત્મહત્યાની ઘટનાઓ સામે આવતી હોય છે. ગોધરા શહેરના કાછિયાવાડ વિસ્તારમાં આવેલ બાવાની મઢી પાસે રહેતા યુવાને પત્નીના આડા સંબંધોથી કંટાળી આપઘાત કર્યો હતો. પતિ કામે જાય પછી પત્ની પ્રેમીને મળવા બોલાવતી હતી. પતિ-પત્ની વચ્ચે આ બાબતે અવારનવાર ઝઘડાઓ થતાં હતા. વારંવાર રોકવા છતાં પત્ની ના સુધરતા યુવાને કંટાળીને ફાંસો ખાઈ જીવન ટૂકાવ્યું હતું. પોલીસે સુસાઈડ નોટના આધારે પત્ની સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જાણો શું છે સમગ્ર ઘટનાનું સત્ય...


પ્રાપ્ત માહિતી મુજબ સંતરામપુર તાલુકાના લીમડી ડોળી ગામે રહેતા વિનોદભાઈ કાળુભાઇ બામણીયાએ ગોધરા શહેર A ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેઓના નાનાભાઈ અશ્વિનભાઈ બામણીયાના લગ્ન ચાર વર્ષ અગાઉ રજાયતા ગામના બળવંતભાઈ મુનીયાના દીકરી લીલાબેન સાથે કર્યા હતા. લગ્ન બાદ લીલાબેન અને અશ્વિનભાઈ ગોધરા શહેરના કાછીયાવાડ વિસ્તારમાં આવેલ બાવાની મઢી પાસે રહેતા હતા.


જ્યારે તેઓ પ્રસંગોપાત પોતાના ઘરે જતા હતા ત્યારે અશ્વિનભાઈ સતત મૂંઝાયેલા રહેતા હતા. જેથી તેઓના પરિવારજનોએ પૂછતાં પત્ની લીલા સાથેના અણબનાવની વાત સામે આવી હતી. બે વર્ષ અગાઉ અશ્વિનભાઈએ પત્ની લીલાબેનને અન્ય વ્યક્તિઓ સાથે પ્રેમ સંબંધ હોવાથી ટોકતા પત્ની લીલાબેન તેઓ સાથે ઝઘડો કરીને પિયરમાં ચાલી ગયા હતા. જે બાદ અશ્વીનભાઈના પરિવારજનોએ પંચરાહે સમાધાન કરીને લીલાબેનને તેડી લાવ્યા હતા અને પતિ-પત્ની ગોધરા શહેરમાં રહેવા આવ્યા હતા. જે બાદ અશ્વીનભાઈએ પોતાના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, લીલા હજુ સુધરતી નથી, અન્ય વ્યક્તિઓ સાથે પ્રેમ સંબંધ ચાલુ જ રાખ્યા છે. હું નોકરી પર જાઉં પછી તેના પ્રેમીને મળવા માટે બોલાવે છે.


ગત 20 માર્ચે વિનોદભાઈ બામણીયાને ફોન દ્વારા જાણવા મળ્યું હતું કે, તેઓના નાનાભાઈ અશ્વિનભાઈએ લોખંડના હુક પર ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. જેથી તેઓ પરિવારજનો સાથે તાબડતોબ ગોધરા દોડી આવ્યા હતા, જ્યાં અશ્વિનભાઈની પત્ની લીલાબેન જોવા મળી ન હતી. જે બાદ અશ્વિનભાઇના મૃતદેહને નીચે ઊતારતા તેઓના પેન્ટના ખીસ્સામાંથી એક લખાણવાળું કાગળ મળી આવ્યું હતું. જે સાચવીને મૂકી દીધું હતું. ત્યાર બાદ અશ્વીનભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં અશ્વીનભાઈના પત્ની લીલાબેનને જાણ કરી હોવા છતાં હાજર નહોતા રહ્યા. અંતિમવિધિ પૂર્ણ થયાના થોડા સમય બાદ અશ્વીનભાઈ દ્વારા લખાયેલ કાગળ તપાસતા તેમાં મોટો ઘટસ્ફોટ થયો હોવાનું સામે આવ્યું હતું.


સુસાઈડ નોટમાં અશ્વીનભાઇએ પોતાના હાથે લખ્યું હતું કે, તેઓની પત્ની લીલાબેનના અન્ય પુરુષો સાથે પ્રેમ સંબંધ હતા. અશ્વીનભાઈના નોકરીએ ગયા બાદ લીલાબેન તેઓના પ્રેમીને રૂમ પર બોલાવીને મળતા હતા. જે બાબતે અશ્વિનભાઈ અવારનવાર કહેવા છતાં લીલાબેને સબંધ યથાવત રાખીને અશ્વીનભાઈ સાથે ઝઘડો કરીને તેઓને મારી નાંખવાની ધમકીઓ આપી હતી. લીલાબેન ચોરી છુપીથી પોતાના પ્રેમીઓ સાથે વાત કરતા હતા, જેથી અશ્વીનભાઈએ સંબંધ રાખવાની ના કહેતા ઝઘડો થતો હતો. લીલાબેને પોતાની આદતો છોડી ન હતી અને અશ્વીનભાઈને મરવા માટે મજબૂર કર્યા હતા. તેઓના પ્રેમીનું નામ મોરવા હડફ તાલુકાના દેલોચ ગામના ભમાત શક્તિભાઈ અને અન્ય પ્રેમીનું નામ સંતરામપુર તાલુકાના કુરેટા ગામના ડામોર શૈલેષભાઈ હોવાનો ચિઠ્ઠીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.


અશ્વીનભાઇએ લખેલી 4 પાનાની સુસાઈડ નોટ તેમના ખિસ્સામાંથી મળી હોવાનું તેમના જીજાજીએ જણાવ્યું હતું. સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, મારી પત્ની લીલાબેનને તેના પપ્પાના ઘરે જવું છું તેમ કહીને જતી રહી છે. મેં કેટલા ફોન કર્યા પણ એકપણ ફોન તેણે ઉપાડ્યો નથી. લીલાબેનને બીજા સાથે આડા સંબધ હતા એટલે મારી જોડે વારંવાર ઝધડા કરીને મને બહુ ત્રાસ આપતી હતી. જ્યારે હું કંપનીમાં જતો ત્યારે લીલાબેન બપોરે તેના પ્રેમીને રુમ પર બોલાવતી હતી. મેં ઘણીવાર તેને પકડી છે. લીલાબેને મારી સામે કબૂલાત કરી હતી કે, હા હું શક્તિભાઇ ભમાત અને શૈલેશભાઇ ડામોર જોડે સંબંધમાં છું. હું મળવા પર બોલાવું છુ તેમ કીધું હતું. લીલાબેનના ફોન નંબરની કોલ ડીટેલ પણ કઢાવી ને જોશો, એ મને મારી નાખવાની ધમકીઓ આપતા હતા એટલે મેં કોઇને જાણ કરી નથી. મારી હસતી ખેલતી જીંદગીની પથારી ફેરવી છે. આવી દગાબાજ છોકરીના લીધે જીંદગી બરબાદ થાય છે. મને મરવા માટે મજબૂર કર્યો હતો. લીલા બળવંતના ત્રાસથી મારે મરવું પડ્યું છે. તેવો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો છે.


સમગ્ર ઘટનાને લઈને તા 6 એપ્રિલ શનિવારે સાંજે સાડા પાંચ કલાકે ગોધરા શહેર A ડિવિઝન પોલીસે લીલાબેન સામે આપઘાત માટે દુષ્પ્રેરણા આપતા હોવાનો ગુનો નોંધીને તેઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.