વિરોધ@પોરબંદર: એમ.કે ગાંધી અંગ્રેજી માઘ્યમની સ્કૂલ સામે ABVP અને NSUIએ વિરોધ નોંધાવ્યો, 26 પ્રવાસી શિક્ષકોને છુટા કર્યા

26 પ્રવાસી શિક્ષકોને છુટા કરતા નોંધાવ્યો વિરોધ

 
વિરોધ@પોરબંદર: એમ.કે ગાંધી અંગ્રેજી માઘ્યમની સ્કૂલ સામે ABVP અને NSUIએ વિરોધ નોંધાવ્યો,  26 પ્રવાસી શિક્ષકોને છુટા કર્યા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

પોરબંદરની એમ કે ગાંધી શાળામાં 26 જેટલા પ્રવાસી શિક્ષકોને છુટા કર્યા બાદ વિરોધનો વંટોળ શરૂ થયો છે. શહેરની અંગ્રેજી માધ્યમની સ્કૂલમાંથી શિક્ષકોને છુટા કરી દેવાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ નારાજ હતા. શાળાની મનમાની સામે ABVP અને NSUI મેદાને ઉતર્યું છે. ABVPએ શાળા સામે વિરોધ નોંધાવ્યો અને શાળાને તાળાબંધી કરવાની તૈયારી કરી હતી. જો કે એ તાળાબંધી કરે એ પહેલા જ પોલીસે ABVPના 13 કાર્યકરોની અટકાયત કરી હતી. આ અગાઉ ABVPએ વાલીઓ સાથે શિક્ષણાધિકારીને રજૂઆત કરીને તાળાબંધીની ચીમકી પણ આપી હતી.

બીજી તરફ NSUI એ શિક્ષણાધિકારીની કચેરીએ જઈને ઘેરાવ કર્યો અને શિક્ષણાધિકારીને બંગડી ભેટમાં આપી હતી. જે બાદ પોલીસે NSUIના 15થી વધુ કાર્યકરોની અટકાયત કરી હતી. શાળા સામે વાલીઓ ABVP અને NSUI એ આક્ષેપ કર્યા છે કે ચાલુ અભ્યાસ વચ્ચે અચાનક આખા મહેકમના શિક્ષકોની બદલી કરી દેવાઈ છે. જેથી 1178 વિદ્યાર્થીઓનુ ભણતર બગડશે. ABVPએ એવો પણ આક્ષેપ કર્યો છે કે અંગ્રેજી મિડિયમની સ્કૂલમાં ગુજરાતી માધ્યમના શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. તેઓ અંગ્રેજી માધ્યમમાં યોગ્ય રીતે ભણાવી શકે નહીં.

સમગ્ર ઘટનાક્રમ અંગે એબીવીપીના સંયોજક લખન જાડેજાએ જણાવ્યુ હતુ કે એવુ નથી કે તાત્કાલિક તેઓ શાળા પર આવીને વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. ત્રણ દિવસ અગાઉ જિલ્લા શિક્ષણાધિકારીને તેઓ મળ્યા હતા અને તેમને રજૂઆત કરી હતી કે ત્રણ દિવસની અંદર પ્રવાસી શિક્ષકોની અથવા કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે, નહીં તો અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આંદોલન કરશે.