ખળભળાટ@ઝાલોદ: મનરેગાના બેફામ કૌભાંડીઓ ઉપર સૌપ્રથમ ત્રાટકી એસીબી, એપીઓ 50હજાર લેતાં ઝબ્બે, આવકની તપાસ પણ થશે

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી
દાહોદ જિલ્લામાં મનરેગાના કામોમાં બેફામ કમિશન લેતાં અને કટકી વગર ફાઇલ નહિ લેતાં કૌભાંડીઓ વિરુદ્ધ સૌપ્રથમ ચોંકાવનારી કાર્યવાહી થઈ છે. એસીબીની ટ્રેપથી દાહોદ જિલ્લામાં ફરિયાદ કરી થાકેલા જાગૃત નાગરિકોને હવે આશાનું કિરણ પણ મળી ગયુ છે. ઝાલોદ તાલુકાના એપીઓ ગેરકાયદેસર રીતે લાંચ લેતાં એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઇ જતાં મનરેગા આલમમાં ખળભળાટ મચી ગયો છે. બીલ પાસ કરવા સામે 10ટકા રકમ લાંચ પેટે લેવાં જતાં અરજદારે એસીબીને ફરિયાદ કરતાં એપીઓ કટારા સકંજામાં આવી ગયા છે. જાણીએ સમગ્ર અહેવાલ.
દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકામાં મનરેગાના આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર મોહનસિંહ કટારા સમક્ષ મનરેગા યોજના હેઠળ કેટલાક કોઝવેના (પાણીના નાળા) બીલ ચૂકવવાની કામગીરી આવી હતી. જેમાં સ્થાનિક અરજદારના કુલ ચાર બિલોના રૂપિયા 42લાખ 93હજારથી વધુ મંજૂર કરવાની કામગીરી દરમ્યાન એપીઓ મોહનસિંહ ગોપાલસિંહ કટારા,આસિસ્ટન્ટ પ્રોગ્રામ ઓફિસર (કરાર આધારિત) તાલુકા પંચાયત ઝાલોદવાળાએ લાંચ માંગી હતી. કુલ બીલની રકમના 10% રકમ અરજદાર પાસે માંગણી કરતાં અરજદાર ચોંકી ગયા હતા. અરજદાર પાસે લાંચ પૈસાની સગવડ ના હોવાથી એપીઓ કટારાએ 50હજાર આપવા જણાવી બાકીના પૈસા પછી આપી દેવા કહ્યું હતુ. જોકે અરજદાર લાંચની રકમ આપવા માંગતા ના હોવાથી દાહોદ એસીબીને ફરિયાદ આપી હતી. આથી ફરિયાદીની ફરિયાદ આધારે દાહોદ એસીબી પોલીસના પીઆઇ ડિંડોરે લાંચના છટકાનું આયોજન કર્યું હતુ. જેમાં એપીઓ કટારા બાયપાસ રોડ, ઠુઠી કંકાસિયા ચોકડી,ઝાલોદ ખાતે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા 50હજારની લાંચની માંગણી કરી સ્વીકારતા રંગેહાથ પકડાઈ ગયા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, એપીઓ કટારાએ જેવા 50હજાર મનરેગાના બીલના લાંચ પેટે લીધા એવા તુરંત એસીબીના કર્મચારીઓ આવી જતાં પંચો રૂબરૂ ધોરણસરની કાર્યવાહી કરી હતી. લાંચના છટકામાં ટ્રેપિંગ અધિકારી તરીકે કે.વી ડીંડોર પોલીસ ઇન્સ્પેક્ટર,એ.સી.બી પોલીસ સ્ટેશન દાહોદ તથા સુપર વિઝન અધિકારી તરીકે બી.એમ પટેલ મદદનીશ નિયામક, એ.સી.બી પંચમહાલ એકમ દ્વારા લાંચના છટકાનું સફળ આયોજન થતાં લાંચિયાઓમાં દોડધામ અને ફફડાટ ફેલાઈ ગયો છે.