રિપોર્ટ@સુરત: 1 લાખ લાંચ લેનાર ટ્રાફિક ASIને એસીબીએ રંગેહાથ ઝડપ્યો

એક ટેમ્પાનો મહિને હજારનો હપ્તો

 
રિપોર્ટ@સુરત: 1 લાખ લાંચ લેનાર ટ્રાફિક ASIને  એસીબીએ રંગેહાથ ઝડપ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હલામ લાંચના ગુનાઓ ખુબજ વધી ગયા છે. અધિકારીઓ લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ રહ્યા છે. શહેર ટ્રાફિક પોલીસમાં લાંચ લેવી એક ચલણ બની ગયું છે. 70 હજારના પગારદાર જમાદારે એક ટેમ્પાનો માસિક 1 હજારનો હપ્તો નક્કી કર્યો હતો. આવા 100 ટેમ્પો પેટે ASI વિજય ચૌધરીએ 1 લાખની લાંચ લેવા ગુરુવારે બપોરે ઉધના ઉદ્યોગનગર પાર્શ્વ શોપિંગ સેન્ટરમાં તેના 5 વર્ષથી રાખેલા વહીવટદાર સંજય પાટીલને મોકલ્યો હતો. જ્યા એસીબીએ છટકું ગોઠવી 1 લાખની લાંચ લેતા સંજય પાટીલને પહેલા રંગેહાથ ઝડપી પાડ્યો છે. બાદમાં વચેટીયાએ જમાદારને ફોન કરી લાંચની રકમ મળી હોવાની વાત કરી હતી. જેથી બીજી ટીમે માર્કેટ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા ASI વિજય ચૌધરીને પણ દબોચી લીધો હતો.

હાલમાં એસીબીના સ્ટાફે વચેટીયા સંજય દિનકર પાટીલ(48)(રહે,વિસ્મય બંગ્લોઝ,ડિંડોલી) અને ટ્રાફિક પોલીસના રિજીયન-2માં ફરજ બજાવતા ASI વિજય રમણ ચૌધરી(55)(રહે.નવકૃતિ એપાર્ટ, લાલ બંગલા, અઠવાલાઇન્સ, મૂળ.તાપી)ની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. ટેમ્પોચાલકો પાસેથી ટ્રાફિક પોલીસ માસિક 1 હજારનો હપ્તો લેતી હોવાની ફરિયાદ ટેમ્પો એસો.ના એક હોદ્દેદારે એસીબીને કરતા બન્ને ભેરવાયા છે.

ASI વિજય ચૌધરી અઠવાલાઇન્સમાં જે ફલેટમાં રહે છે તેની માર્કેટ વેલ્યુ 70 લાખ અંદાજીત છે. તેમની પત્ની પીએસઆઈ છે. પોલીસ ખાતામાં 30 વર્ષથી નોકરી કરે છે અને તેને રિટાયર થવાના 3 વર્ષ બાકી છે. વચેટીયો સંજય પાટીલ અગાઉ ટેમ્પો એસોસીએશન સાથે સંકળાયેલો હતો અને હાલમાં મિલોમાં કાપડનો કોન્ટ્રાક્ટ રાખે છે.