દુર્ઘટના@ગુજરાત: મોગલધામ જતી યાત્રાળુઓની બસ પલટી, 1નું મોત, 23 લોકો ઈજાગ્રસ્ત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ભગુડા મોગલધામ દર્શન માટે જતી જાત્રાની બસ પલટી મારી જતાં એક યુવકનું મોત નીપજ્યું હતું અને 23 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. વેરાવળના ખારવા સમુદાયના 56 લોકો ધુળેટીના તહેવાર નિમિત્તે દેવ દર્શન માટે નીકળ્યા હતા. અકસ્માતમાં 22 વર્ષીય યોગેશ પ્રભુદાસ ચોરવાડીનું મૃત્યુ થયું હતું. ઈજાગ્રસ્તોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ, ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-કોડીનાર હાઈવે પર સુંદરપરા ગામ પાસે એક ગંભીર બસ અકસ્માત થયો. મુસાફરો ભરેલી બસ અચાનક પલટી જતાં એક વ્યક્તિનું દુ:ખદ મૃત્યુ નીપજ્યું, જ્યારે 23 લોકો ઘાયલ થયા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિકજામ સર્જાયો હતો. જો કે અધિકારીઓએ પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી.
તમામ ઘાયલોને તાત્કાલિક વેરાવળ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ વેરાવળ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હોસ્પિટલ ખાતે લોકોના ટોળા એકત્ર થયા હતા. હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન બનેલી આ દુર્ઘટનાને કારણે ખારવા સમાજમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.