દુર્ઘટના@ગુજરાત: ભયાનક અકસ્માતમાં બાઈકસવાર યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું

જ્યારે તેની સાથે સવાર અન્ય એક યુવકનો આબાદ બચાવ થયો છે
 
દુર્ઘટના@ગુજરાત: ભયાનક અકસ્માતમાં બાઈકસવાર યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરા અને ઉનામાં સર્જાયેલા બે ગમખ્વાર અકસ્માતમાં બે આશાસ્પદ યુવકના કરુણ મોત નીપજ્યાં છે. વડોદરા-હાલોલ હાઈવે પર 22 ફેબ્રુઆરીની મોડીરાત્રે એક કાળમુખો અકસ્માત સર્જાયો હતો. રાત્રિના આશરે બે વાગ્યાના સુમારે બનેલી આ ઘટનામાં બાઈકસવાર એક યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેની સાથે સવાર અન્ય એક યુવકનો આબાદ બચાવ થયો છે. મૃતક યુવકને ગંભીર ઇજાઓને લઈ રોડ પર લોહી વહેવા લાગ્યું હતું. રોડ પર પરિવારજનોની રોકકળથી માહોલ તંગ બન્યો હતો.

બીજી તરફ, ઉનાના તડ અને પાલડી ગામ વચ્ચે આજે સવારે ટ્રક અને બાઈક વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં અન્ય એક બાઈકસવારનું મોત નીપજ્યું હતું. અકસ્માત એટલો ભયાવહ હતો કે, મૃતદેહના ટુકડા થઈ ગયા હતા. જેને પાવડાથી ભેગા કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા હતા. આ બંને ઘટનાએ પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે અને પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા-હાલોલ હાઈવે પરથી પસાર થઈ રહેલી એક મોટરસાઇકલને કોઈ અજાણ્યા કારચાલકે જોરદાર ટક્કર મારી હોવાની આશંકા સેવાઈ રહી છે. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈકચાલક રોડ પર પટકાયો હતો અને તેને માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર ઈજાઓને કારણે ઘટનાસ્થળે જ લોહીનો રેલો વહ્યો હતો અને યુવકે ત્યાં જ દમ તોડી દીધો હતો.

બાઈક પર સવાર બે લોકોમાંથી એક યુવકનું મૃત્યુ થયું છે, જ્યારે તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ, મૃતક યુવક અકસ્માત સ્થળની નજીકના જ કોઈ ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

અકસ્માતની જાણ થતાં જ જરોદ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. મધરાતે સર્જાયેલા આ અકસ્માતને પગલે હાઈવે પર અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસ હાલમાં સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે ટક્કર મારી ફરાર થઈ ગયેલા વાહનચાલકની શોધખોળ કરી રહી છે.

બીજી ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, GJ 32 T 3092 નંબરનો ટ્રક તડ ગામથી પાલડી તરફ જઈ રહ્યો હતો. તે જ સમયે પાલડી ગામના 40 વર્ષીય ભરત રૂપાભાઈ બાબરીયા GJ 11 AP 2920 નંબરના પોતાના બાઈક પર પાલડી તરફ જઈ રહ્યા હતા. અચાનક બાઈક ટ્રકના પાછળના ભાગમાં આવી જતાં ભરતભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અકસ્માત બાદ મૃતક ભરતભાઈના મૃતદેહના કુરચે કુરચા નીકળી ગયા હતા, જેને લોકોએ ભેગા કરવા પડ્યા હતા. ઘટના બનતા જ મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. અકસ્માત સર્જી ટ્રકચાલક ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા મૃતદેહને સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.