દુર્ઘટના@ગુજરાત: ટ્રકચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારી, 2 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં ફરી એકવાર ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે.અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર વડોદરાના ફાજલપુર ગામ નજીક આજે એક રુંવાડા ઉભા કરી દે તેવો ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક બેફામ ટ્રકચાલકે બાઈકને પાછળથી જોરદાર ટક્કર મારતા બાઈક સવાર 2 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં હતા.
અકસ્માત એટલો ભયાનક હતો કે મૃતકોના શરીરના અંગો છિન્નભિન્ન થઈ હાઈવે પર વિખરાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે, જ્યારે ઘટનાસ્થળે હાજર એક મહિલાના હૈયાફાટ રુદન અને 'આમને ઉઠાવો, નહીંતર મરી જશે' તેવા આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. નંદેસરી પોલીસે ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નંબર 48 પર ફાજલપુર ગામ પાસેથી એક બાઈક પર 3 લોકો પસાર થઈ રહ્યા હતા. આ સમયે ટ્રકે બાઇકને પાછળથી ભયંકર ટક્કર મારી હતી. જેના પગલે બાઈક સવાર બે લોકોના શરીરના અંગો છિન્નભિન્ન થઈ ગયા હતા અને હાઈવે પર માંસના લોચા પડેલા જોવા મળ્યા હતા. જ્યારે એક વ્યક્તિના પગ પણ તૂટી ગયા હતા.
અકસ્માતને પગલે હાઈવે પર ટોળેટોળા લોકો એકત્ર થઈ ગયા હતા. જ્યારે ત્યાં હાજર એક મહિલા પોક મુકીને રડી રહી હતી અને તેમના હાથમાં રોડ પર એક મૃતદેહ હતો અને લોકોને મદદ માટે પોકારી રહી હતી કે, આમને કોઈ ઉઠાવો નહીં તો મરી જશે. તે દરમિયાન સ્થાનિક લોકોએ તાત્કાલિક 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ અને નંદેસરી પોલીસને જાણ કરી હતી. ઘટનાને પગલે નંદેસરી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી.
બાઈક પર સવાર એક વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે 2 મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. નંદેસરી પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.

