દુર્ઘટના@ગુજરાત: પૂરઝડપે જતી કારનું ટાયર ફાટ્યું અને ઝાડ સાથે અથડાઈ, પત્નીનું ઘટનાસ્થળે જ મોત, પતિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાંથી ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. જેતપુર-ધોરાજી નેશનલ હાઇવે પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મોડીરાત્રે પૂરઝડપે જતી એક કારનું ટાયર ફાટી જતાં કાર ફંગોળાઇ હતી. આ કારમાં સવાર દંપતી પૈકી પત્નીનું ઘટનાસ્થળે જ મોત થયું છે, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત પતિ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાય છે. આ દંપતીના 13 ફેબ્રુઆરી 2025ના રોજ લગ્ન થયાં હતાં, લગ્નના 11 મહિને જ બંનેનો સાથ છૂટી ગયો છે.
આ કરુણ ઘટના અંગે મળતી માહિતી મુજબ ધોરાજીના 25 વર્ષીય શુભમ મહેશભાઈ કાપડિયા તેમની 23 વર્ષીય પત્ની મિતાલી સાથે હોન્ડા સિટી કારમાં જેતપુરથી ધોરાજી જઈ રહ્યા હતા. આ દરમિયાન એકવાટિક વોટર પાર્ક નજીક અચાનક કારનું ટાયર ફાટતાં સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. કાર પૂરઝડપે રોડની સાઈડમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે હોન્ડા સિટી કારનો ફુરચેફુરચા બોલી ગયા હતા અને કારનું એક ટાયર પણ નીકળીને દૂર ફંગોળાઈ ગયું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં કાર ઝાડ સાથે અથડાતી સ્પષ્ટ જોઈ શકાય છે. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કારમાં ફસાયેલાં દંપતીને ભારે જહેમત બાદ બહાર કાઢ્યું હતું.
આ અકસ્માતમાં 23 વર્ષીય મિતાલીબેનનું ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પતિ શુભમ કાપડિયાને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને વધુ સારવાર અર્થે જૂનાગઢ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ખાસ વાત એ છે કે શુભમ અને મિતાલીનાં લગ્ન ગત 13 ફેબ્રુઆરી 2025ના રોજ થયાં હતાં. આજે 13 જાન્યુઆરીએ જ આ દંપતીના લગ્નને 11 મહિના પૂર્ણ થયા હતા. જે દિવસે ખુશીનો માહોલ હોવો જોઈએ એ જ દિવસે કાપડિયા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. શુભમ બે ભાઈમાં મોટા છે અને પરિવારનો આશાસ્પદ યુવક છે. આ અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતાં ધોરાજી શહેરમાં અને કાપડિયા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

