દુર્ઘટના@થરાદ: પૂરઝડપે જતી ક્રેટા ગાડી પલટી ખાઈને બાવળ સાથે ધડાકાભેર અથડાઈ, 2 લોકોના મોત

અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીનું પડીકું વળી ગયું હતું અને કચુંબર નીકળી ગયું હતું.
 
દુર્ઘટના@થરાદ: પૂરઝડપે જતી ક્રેટા ગાડી પલટી ખાઈને બાવળ સાથે ધડાકાભેર અથડાઈ, 2 લોકોના મોત

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

થરાદ પંથકમાથી અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. થરાદના પીલુડા અને કરબૂણ ગામ વચ્ચે આવેલી સીમમાં એક પૂરઝડપે જતી ક્રેટા ગાડી પલટી ખાઈને રોડ સાઈડના બાવળ સાથે ધડાકાભેર અથડાતાં ચકચાર મચી ગઈ છે. આ અકસ્માતમાં ગાડીમાં સવાર 2 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે.

મળતી માહિતી મુજબ, વહેલી સવારે એક સફેદ રંગની ક્રેટા ગાડી અત્યંત પૂરઝડપે પસાર થઈ રહી હતી. ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી રોડ નીચે ઉતરી ગઈ હતી અને પલટીઓ ખાતી સીધી બાવળના ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડીનું પડીકું વળી ગયું હતું અને કચુંબર નીકળી ગયું હતું.

ચોંકાવનારી બાબત એ છે કે, અકસ્માત બાદ ગાડીમાંથી દારૂની બોટલો બહાર ફગાઈ હતી. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, આખી ગાડી દારૂના જથ્થાથી ભરેલી હોવાનું જણાય છે, જે ગેરકાયદેસર રીતે લઈ જવામાં આવી રહ્યો હતો.

ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માત એટલો વિકરાળ હતો કે, ગાડીમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ગાડીને બહાર લાવવા માટે ટ્રેક્ટરની મદદ લેવામાં આવી હતી.

થરાદ સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી, ગાડીમાંથી મળી આવેલા દારૂના જથ્થા અને ગાડીના માલિક અંગેની વધુ તપાસ શરૂ કરી છે.