દુર્ઘટના@દહેગામ: બે બાઈક સામસામે અથડાતા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાંથી ફરી એકવાર અક્સ્માતની ઘટના સામે આવી છે. દહેગામ તાલુકામાં એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બે બાઈક સામસામે અથડાતા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ, મેઘરાજના મુવાડા ખાતે રહેતા હાર્દિકકુમાર કિરીટકુમાર સોલંકી અને તેમના મિત્ર સિધ્ધરાજસિંહ રાજુસિંહ ઝાલા ગત તારીખ 28 ના રોજ રાત્રિના સમયે પથુજીની મુવાડી ખાતે ડેકોરેશનનું કામ પતાવી પોતાના બાઈક પર પરત ફરી રહ્યા હતા.
રાત્રિના આશરે એક વાગ્યાના સુમારે જ્યારે તેઓ દેવકરણના મુવાડા થઈ કડજોદરા તરફ આવી રહ્યા હતા, ત્યારે રુદ્ર કંપની પાસે સામેથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક એક્સેસ બાઈક સાથે તેમના બાઈકની જોરદાર ટક્કર થઈ હતી.
આ અકસ્માતમાં હાર્દિકકુમાર સોલંકીને સામાન્ય ઈજાઓ અને આંખના ભાગે ઈજા પહોંચી હતી, જ્યારે તેમના મિત્ર સિધ્ધરાજસિંહ ઝાલાને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓ બેભાન થઈ ગયા હતા. આ અકસ્માત સર્જનાર એક્સેસ બાઈક પર સવાર બે વ્યક્તિઓમાંથી એકનું ઘટનાસ્થળ પર જ મૃત્યુ થયું હતું.
ઈજાગ્રસ્ત બંને મિત્રોને સારવાર માટે દહેગામ સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન જાણવા મળ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલા હાર્દિકકુમારના મિત્ર સિધ્ધરાજસિંહ ઝાલા અને એક્સેસ બાઈકના ચાલક એમ બંનેના મોત નીપજ્યા છે.
આ મામલે હાર્દિકકુમાર સોલંકી દ્વારા રખિયાલ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. રાજ્યભરમાં માર્ગોનું નવિનીકરણ થઇ ગયું હોવાથી વાહનચાલકો બેફામ બનીને વાહનો દોડાવી રહ્યા છે. જેના કારણે અકસ્માતની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. મોટા વાહન દ્વારા નાના વાહનને ટક્કર મારવાના બનાવો તો સામાન્ય વાત બની ગઇ છે. પરંતુ બે બાઇકો સામસામે ટકરાતા બે યુવાનના મોત નીપજ્યા હતા.

