દુર્ઘટના@પાટણ: બે સગા ભાઇઓને ટ્રકે ટક્કર મારતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું, જાણો સમગ્ર દુર્ઘટના
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વહેલી સવારે શાકભાજી વેચીને પરત ફરતા બે સગા ભાઇઓને ટર્બો ટ્રકે ટક્કર મારતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે એક ગંભીરરીતે ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ દુર્ઘટના અંગે મળતી માહિતી પાટણના માંખરીયા વિસ્તારમાં રહેતો 32 વર્ષીય સુનિલ ભરતભાઈ પટણી અને 24 વર્ષીય અમિત ભરતભાઈ પટણી વહેલી સવારે પોતાના ખેતરમાં વાવેલી શાકભાજી લઈને અંબિકા શાક માર્કેટમાં વેચવા માટે ગયા હતા. જ્યાં શાકભાજીનું વેચાણ કરીને બંને ભાઈઓ છકડો રિક્ષામાં સવાર થઈ પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન હારીજ ત્રણ રસ્તા પાસે ટર્બોએ છકડાને ટક્કર મારી હતી.
ટર્બો અને છકડો વચ્ચે અકસ્માત એટલો જોરદાર હતો કે છકડો રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. અકસ્માત થતાની સાથે જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી, પરંતુ ત્યાં સુધીમાં સુનિલ પટણીનું મોત થઇ ચૂક્યું હતું. સ્થાનિકોએ તાત્કાલિક 108ને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ મારફતે EMT નિલેશ ચેતવાણી તથા પાયલોટ જયસિંહ રાજપૂત દ્વારા અમિતને સારવાર અર્થે ખસેડ્યો છે, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
માંખરીયા વિસ્તારમાં રહેતા અને મહેનત મજૂરી કરી ગુજરાન ચલાવતા પરિવારના એક દીકરાના મોત થતા સમગ્ર પટની સમાજમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસને ઘટનાની જાણ થતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મૃતક સુનિલ પટણીને ત્રણ બાળકો છે.

