દુર્ઘટના@મહેસાણા: વડનગરમાં SOGની ગાડીએ રિક્ષાને ઠોકર મારી, યુવકનું મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે ગુરુકુળ સર્કલ નજીક રવિવારે રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બંદોબસ્તમાંથી પરત ફરી રહેલા મહેસાણા SOGના વાહન અને ઓટો રિક્ષા વચ્ચે ટક્કર થતા 28 વર્ષીય રિક્ષાચાલક અમિતજી ઠાકોરને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઇજાગ્રસ્ત અમિતજીને તાત્કાલિક વડનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું કરુણ મોત નીપજ્યું હતું.
મૃતકના મોટા ભાઈ મહેશજી ઈશ્વરજી ઠાકોરે ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ અમિતજી પરિવારની ઓટો રિક્ષા GJ-02-TT-4738 લઈને સાગરદાણ લેવા નીકળ્યા હતા, ત્યારે રસ્તામાં જ આ અકસ્માત નડ્યો હતો.
ઘટનાસ્થળે અમિતજીની રિક્ષા અને GJ-18-GB-6818 નંબરના SOGના વાહન વચ્ચે ટક્કર થઈ હોવાનું જોવા મળ્યું હતું. આમ છતાં વડનગર પોલીસે SOGના વાહનચાલકને બદલે 'અજાણ્યા વાહનચાલક' વિરુદ્ધ ગુનો નોંધતા પોલીસની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા છે.
પરિવારજનો અને સ્થાનિકોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાચા ચાલક સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

