દુર્ઘટના@વડોદરા: ટેમ્પો અને ટ્રક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો, ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત

દિલધડક રેસક્યૂ કરી કેબિન કાપી કન્ડક્ટરને જીવતો બહાર કાઢ્યો હતો.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

વડોદરા શહેરમાંથી અક્સ્માતની ઘટના સામે આવી છે.વડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઈવે 48 અવારનવાર જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આજે વહેલી સવારે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં મહારાષ્ટ્રથી આવતો ટેમ્પો અન્ય ટ્રકમાં પાછળના ઘરે ઘૂસી જતા ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ફાયર વિભાગે દોઢ કલાક દિલધડક રેસક્યૂ કરી કેબિન કાપી કન્ડક્ટરને જીવતો બહાર કાઢ્યો હતો.

મળતી માહિતી અનુસાર નેશનલ હાઈવે 48 પર વહેલી સવારે કરજણ તાલુકાના દેથાણ ગામ નજીક પ્લેઝર ઈન્ડિયા કંપની પાસે મહારાષ્ટ્રથી દૂધ ભરીને વડોદરા આવતા આઇસર ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, આઇસર ટેમ્પોના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં ડ્રાઈવર અને કન્ડકટર બંને ફસાયા હતા.

અકસ્માતની ઘટનાને પગલે નેશનલ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિકો દ્વારા કરજણ ફાયર વિભાગને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા હાઈડ્રોલિક કટિંગ ઇક્વિપમેન્ટની મદદથી પતરાં કાપીને લગભગ દોઢ કલાકની સતત મહેનત બાદ બંને વ્યક્તિઓને બહાર કાઢ્યા હતાં.

જોકે, 108 એમ્બ્યુલન્સને ઘટનાની જાણ થતા તે પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. 108ની ટીમ દ્વારા ડ્રાઈવરને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે કન્ડક્ટરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલમાં આ અકસ્માત મામલે કરજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.