દુર્ઘટના@ગુજરાત: વાઘોડિયા ચોકડીના બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે 2 મિત્રોના મોત

આ મામલે કપુરાઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે.  અમદાવાદ મુંબઇ નેશનલ હાઈવે પર વડોદરા શહેર નજીક વાઘોડિયા ચોકડીના બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરે 2 મિત્રોના મોત થયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બીજા બાઈકસવારને ગંભીર ઈજા પહોંચતા સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ મોત નિપજ્યું હતું. જોકે, આ અકસ્માતમાં હાઈવે પર માસના લોચા અને લોહીના ખાબોચિયા ભરાયા હતા. આ મામલે કપુરાઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ વડોદરા શહેરમાં રહેતા દિલીપભાઈ અને ગંભીરભાઈ બંને સરદાર એસ્ટેટ ખાતે ભેગા થયા હતા અને ત્યાંથી શાકભાજી લેવા માટે જઈ રહ્યા હતા. આ દરમિયાન અમદાવાદ મુંબઇ નેશનલ હાઈવે પર વાઘોડિયા બ્રિજ પર અજાણ્યા વાહને તેમના બાઈકને ટક્કર મારી હતી. જેથી તેઓ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા. જોકે, દિલીપભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

અકસ્માતની ઘટના બનતાની સાથે જ સ્થળ પર લોકોની ભારે ટોળાં એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. બનાવની જાણ થતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત ગંભીરભાઈને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. કપુરાઈ પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

.ગંભીરભાઈ તેમની પત્ની સાથે રહેતા હતા. તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ અને 2 દીકરા છે. તેઓ આઇસર ટેમ્પોમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા. જ્યારે દિલીપભાઈના છૂટાછેડા થયા હતા. તેઓ સરદાર એસ્ટેટની ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. તેમના પિતા પણ તેમની સાથે નોકરી કરતા હતા.

મૃતકોના નામ

  • દિલીપભાઈ ઝવેરભાઈ વસાવા
  • ગંભીરભાઈ ભરતભાઈ નાયક