દુર્ઘટના@અમદાવાદ: ટ્રેક્ટરની અડફેટે રમી રહેલી 2 વર્ષની બાળકીનું મોત નીપજ્યું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
હાલમાં અસ્ક્માતાની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે. ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. શહેરના પશ્ચિમ વિસ્તારના બોડકદેવમાં કચરો ઠાલવવા આવેલા ટ્રેક્ટરની અડફેટે રમી રહેલી બે વર્ષની બાળકી આવી જતાં તેનું મોત નીપજ્યું હતું. જ્યારે કર્ણાવતી ક્લબ પાસે મહિલા કારચાલકે ટક્કર મારતા બાઇકચાલકનું મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે એમ ડિવિઝન અને એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
એન ટ્રાફિક પોલીસમાં રેખાબેન મછારે ટ્રેક્ટરચાલક વાસુભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જે મુજબ બોડકદેવમાં તેઓ તેમના પરિવાર સાથે રહે છે. તેમની 2 વર્ષની દીકરી છાયા ખુલ્લા પ્લોટમાં રમી રહી હતી. એ વખતે ટ્રેક્ટરચાલક વાસુભાઈ ખુલ્લા પ્લોટમાં કચરો નાખવા આવ્યો હતો ત્યારે રમી રહેલી છાયાને ટ્રેક્ટરે અડફેટે લીધી હતી. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી બાળકીને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનંુ મોત નીપજ્યું હતું.
જ્યારે નારણપુરમાં રહેતા ગલબીબેન પરમારે કારચાલક મહિલા મધુબેન વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા મુજબ તેમનો 36 વર્ષીય દીકરો અમરત પરમાર એસજી હાઈવે પાસે આવેલા અલગ અલગ ફ્લેટોમાં સફાઈનું કામ કરે છે. બોપલથી કામ તપાવીને અમરત બાઇક પર ઘર તરફ આવતો હતો ત્યારે સવા પાંચ વાગે કર્ણાવતી ક્લબ રોડ પર જતી વખતે મહિલા કારચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અમરતનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.