દુર્ઘટના@ગુજરાત: કટર મશીન સાફ કરતા યુવકને અચાનક વીજકરંટ લાગતા મોત
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવાર-નવાર મોતની ઘટનાઓ સામે આવતી હોય છે. ખંભાત તાલુકાના રોહિણીમાં કટર મશીન સાફ કરી રહેલા 30 વર્ષીય યુવકનું વીજકરંટ લાગતા મોત નીપજ્યું હતું. મશીન વીજવાયરને અડી જતા આ ઘટના બની હતી. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, રાજસ્થાનથી રવીન્દ્રકુમાર રાણારામ નામનો 30 વર્ષીય યુવક ખંભાત તાલુકાના રોહિણી ગામે મજૂરીકામ માટે આવ્યો હતો. દરમિયાન, સોમવારે સવારે સાડા નવ વાગ્યે તે ડાંગર કાપવાના કટર મશીનની સફાઈ કરી રહ્યો હતો. તે સાફ-સફાઈ કરતો હતો ત્યારે ત્યાંથી પસાર થતી વીજ લાઈનને તેનો હાથ અડી ગયો હતો. જેથી તેને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં ગંભીર રીતે દાઝી જતાં તે ત્યાં જ ઢળી પડ્યો હતો.
આ અંગેની જાણ આસપાસના લોકોને થતાં જ તુરંત જ અન્ય ખેતમજૂરો દોડી આવ્યા હતા અને યુવકને તુરંત જ રેફરલ હોસ્પિટલ ખંભાત લઈ જવાયો હતો. જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો. આ અંગેની જાણ ખંભાત ગ્રામ્ય પોલીસને કરતા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી. અને તેમણે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

