દુર્ઘટના@અમદાવાદ: ફુલ સ્પીડે આવી રહેલા વાહન ચાલકે 2 પોલીસ કર્મચારીને અડફેટે લેતા ગંભીર ઈજા પહોચી
કારને રોકવા જતા ગંભીર ઈજા પહોંચી
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અકસ્માતના બનાવો ખુબજ વધી ગયા છે. રોજ કોઈને કોઈ જગ્યાએથી અકસ્માતના બનાવો સામે આવતા હોય છે. અમદાવાદ શહેરમાં ફરી એક વખત અકસ્માતમાં નિર્દોષ વ્યક્તિઓને ઈજા થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. ફુલ સ્પીડે વાહન ચલાવવા માટે બદનામ થયેલા સિંધુભવન રોડ પર આ વખતે એક કારચાલકે બે પોલીસ કર્મચારીને ઉડાવ્યા હતા. આ સમગ્ર ઘટના રાતે 2:00 વાગ્યાની આસપાસ બની હતી. જે સંદર્ભે પોલીસે હાલ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. આરોપી પોતાની કાર લઈને પકવાન ચાર રસ્તાથી સિંધુભવન રોડ તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન અકસ્માત સર્જયો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, આજરોજ 16 એપ્રિલની રાતે 2:00 વાગ્યાના અરસામાં સિંધુભવન પાસેના ગોટીલા ગાર્ડન પાસે પોલીસ કર્મચારીઓ પોતાની ફરજ નિભાવી રહ્યાં હતાં. તે સમયે પકવાન ચાર રસ્તાથી સિંધુભવન તરફ એક i-20 કાર ફૂલ સ્પીડે આવી રહી હતી. જેથી એને રોકવાનો પ્રયાસ હાજર બે પોલીસ કર્મચારીએ કર્યો હતો.
હાલ ચૂંટણીનો સમય હોવાથી સિંધુભવન રોડ પર પણ બેરીકેટ મૂકવામાં આવ્યા છે અને મોડી રાતે વાહન ચેકિંગની કામગીરી ચાલે છે. આ સમયે પોલીસ પોતાની ફરજ નિભાવી રહી હતી. આ અકસ્માતમાં ભોગ બનનાર પોલીસમાં હિતેશકુમાર અને મોહમ્મદ અનીશ ત્યાં પોતાની ફરજ નિભાવી રહ્યા હતા. તેમણે i20 કારને રોકવાનો પ્રયાસ કરતા કારચાલકે કારને બ્રેક મારવાની જગ્યાએ બંનેને ઉડાવતા બંનેને ઈજા થઈ હતી. આ બનાવ બાદ કાર રોકાઈ હતી અને કારચાલક 24 વર્ષેનો જયદીપ ઝાલા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે કારચાલકની સ્થળ પરથી ધરપકડ કરી હતી અને બંન્ને ઇજાગ્રસ્ત પોલીસ કર્મચારીને સારવાર અર્થે ખસેડ્યા હતા.
આ સમગ્ર બનાવવામાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે, સિંધુભવન રોડ પર મોડી રાતે ઘણા લોકો પોતાના મોજ-શોખ પૂરા કરવા માટે ફૂલ સ્પીડે વાહનો ચલાવે છે. જેના કારણે આવા અકસ્માતના બનાવો બને છે અને નિર્દોષ લોકો તેના ભોગ બને છે.